‘કમલનાથ માટે ભાજપમાં નો એન્ટ્રી, વરિષ્ઠ નેતાઓ સાથે વાત થઈ...’, ભાજપ નેતાનો દાવો
તજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું, કમલનાથ 1984ના શિખ વિરોધી રમખાણોના આરોપી
કમલનાથ માટે ભાજપના દરવાજા બંધ, તેમના પુત્ર સામેલ થાય તો મને કોઈ વાંધો નથી : બગ્ગા
Kamal Nath News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ (Nakul Nath) ભાજપમાં સામેલ થવાના હોવાની અટકળો ચાલી રહી છે, ત્યારે આ અંગે ખુદ કમલનાથે કહ્યું કે, ‘જો આવું થશે તો બધાને ખબર પડી જશે, પરંતુ મારી હજુ સુધી કોઈની સાથે વાત થઈ નથી.’ તો આ અગાઉ ભાજપ નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga)એ પણ કમલનાથ પર નિશાન સાધી કહ્યું કે, ‘કમલનાથ ભાજપમાં જોડાવા હોવાના અહેવાલો ખોટા છે. 1984ના શિખ વિરોધી રમખાણો (1984 Sikh Riots)ના આરોપી કમલનાથ માટે ભાજપમાં કોઈ જગ્યા નથી.’
‘...તો બધાને ખબર પડી જશે’ : કમલનાથ
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કમલનાથે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો તેમણે કહ્યું કે જો આવું થશે તો બધાને ખબર પડી જશે, પરંતુ મારી હજુ સુધી કોઈની સાથે વાત થઈ નથી. કમલનાથ પર પાર્ટી સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, કમલનાથના ક્યાંય જવાનો સવાલ જ નથી, અમે સાંભળ્યું છે કે આવું કંઈ નથી થઈ રહ્યું.
કમલનાથ 1984ના શિખ વિરોધી રમખાણોના આરોપી : બગ્ગા
આ અગાઉ બગ્ગાએ કમલનાથ પર નિશાન સાધ્યું કહ્યું કે, ‘કમલનાથ 1984ના શિખ વિરોધી રમખાણોના આરોપી છે. તેમના વિરુદ્ધ ઘણા પુરાવા છે. મેં આઠ દિવસના ઉપવાસ કર્યા બાદ એસઆઈટીએ કમલનાથ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. 9માં ગુરુ શ્રી ગુરુ તેજ બહાદુરની યાદમાં બનાવાયેલા રકાબગંજ ગુરુદ્વારાને સળગાવવા પાછળ તેમનો જ હાથ છે. ભાજપમાં કમલનાથ માટો કોઈ જગ્યા નથી અને મેં મારા ટ્વિટમાં આ મામલે સ્પષ્ટ કહી દીધું છે.’
‘કમલનાથ માટે ભાજપના દરવાજા બંધ, પુત્ર માટે ખુલ્લા’
તેમણે કહ્યું કે, ‘મેં વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે, કમલનાથ માટે ભાજપના દરવાજા બંધ છે. હું હંમેશા કમલનાથ વિરોધી રહ્યો છું અને તેમનો પુત્ર નકુલ ભાજપમાં સામેલ થાય તો મને કોઈ વાંધો નથી.’ એક ટ્વિટમાં બગ્ગાએ લખ્યું છે કે, ‘જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી આવું (કમલનાથનું ભાજપમાં જોડાવું) સંભવ નથી, આવું હું તમને વિશ્વાસ સાથે કહી રહ્યો છું.’
દિગ્વીજય અને મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ કહ્યું કે, ‘અશક્ય’
બીજીતરફ મધ્ય પ્રદેશ કોંગ્રેસ (Madhya Pradesh Congress) ના નેતાઓનું કહેવું છે કે, ‘કમલનાથ ભાજપમાં જોડાશે, તેવી કોઈ આશા રાખી શકાય નહીં. દિગ્વિજય સિંહે (Digvijay Singh) કહ્યું કે, જે વ્યક્તિએ રાજકીય જીવન શરૂઆતથી જ નેહરુ-ગાંધી પરિવાર સાથે હોય, તેવી વ્યક્તિ પાસે તમે કેવી રીતે આશા રાખી શકો કે તેઓ કોંગ્રેસ છોડી દેશે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જીતૂ પટવારીએ પણ કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં જોડાવા હોવાના અહેવાલોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ઈન્ડિયા ગાંધી કમલનાથને પોતાના ત્રીજા પુત્ર માનતા હતા. તેમના પક્ષ છોડવાના અહેવાલો પાયાવિહોણા છે.
મને નથી લાગતું કે કમલનાથ પાર્ટી છોડી દેશેઃ દિગ્વિજય સિંહ
કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે હું કમલનાથ સાથે સતત વાતચીત કરી રહ્યો છું, કોંગ્રેસ નેતૃત્વ પણ તેમની સાથે સતત સંપર્કમાં છે. તેમના જેવા વ્યક્તિ, જેમણે કોંગ્રેસથી શરૂઆત કરી, જેને આપણે બધા ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર માનીએ છીએ, તેમણે હંમેશા કોંગ્રેસને સમર્થન આપ્યું છે, તેઓ કોંગ્રેસના આધારસ્તંભ રહ્યા છે. દિગ્વિજયે કહ્યું કે, કમલનાથને કયું પદ નથી મળ્યું? તેઓ કેન્દ્રમાં કેબિનેટ સભ્ય, AICCમાં જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, તેથી મને નથી લાગતું કે તેઓ પાર્ટી છોડશે.