પહેલા M.A, PhD કરો, તાજ મહેલ કોણે બનાવ્યો તે રિસર્ચ કરો, 22 રૂમ ખોલવાની અરજી મુદ્દે કોર્ટની ફટકાર
- તાજ મહેલ તેજોમહાલય હોવાની વાત અને તાજ મહેલની અંદરના 22 રૂમ ખોલવા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે અરજદારને ખખડાવ્યા
નવી દિલ્હી, તા. 12 મે 2022, ગુરૂવાર
આગ્રા સ્થિત તાજ મહેલના 22 રૂમ ખોલાવવાની અરજી મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે, જનહિત અરજી (PIL) વ્યવસ્થાનો દુરૂપયોગ ન કરશો. તમે કાલે આવીને એમ કહેશો કે, અમને માનનીય જજની ચેમ્બરમાં જવા માટે મંજૂરી જોઈએ છે.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે તાજ મહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી હતી. હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તમે એવું માનો છો કે, તાજ મહેલને શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં કોઈ નિર્ણય સંભળાવવા આવ્યા છીએ? જેમ કે, આને કોણે બનાવડાવ્યો કે તાજ મહેલની ઉંમર શું છે?
હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ M.A કરો, PhD કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ ન કરવા દે તો અમારા પાસે આવજો. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં. તમે તાજ મહેલના 22 રૂમની જાણકારી કોના પાસે માગી?
વધુ વાંચોઃ જાણો તાજ મહેલના વિવાદિત 22 રૂમ અંગે શું માન્યતા છે?
હાઈકોર્ટના સવાલના જવાબમાં અરજીકર્તાના વકીલે જણાવ્યું કે, અમે ઓથોરિટી પાસે જાણકારી માગી. તે મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તેમણે કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર રૂમ બંધ છે તો આ જાણકારી છે. જો તમે સંતુષ્ટ ન હોવ તો તેને પડકાર આપો. મહેરબાની કરીને M.Aના અભ્યાસ માટે રજિસ્ટ્રેશન કરાવો, પછી નેટ, જેઆરએફ માટે જાઓ અને જો કોઈ વિશ્વવિદ્યાલય તમને આવા વિષય પર સંશોધન કરવા ઈનકાર કરે તો અમારા પાસે આવો.
વધુ વાંચોઃ તાજમહેલની જગ્યાએ અમારો પેલસ હતો, અમારી પાસે છે દસ્તાવેજોઃ જયપુરના રાજવી પરિવારનો દાવો
અરજીકર્તાએ જણાવ્યું કે, મહેરબાની કરીને મને તે રૂમમાં જવાની મંજૂરી આપો. તેના જવાબમાં હાઈકોર્ટે આકરા સૂરે કહ્યું કે, કાલે આવીને તમે અમને માનનીય જજોની ચેમ્બરમાં જવા માટે કહેશો? મહેરબાની કરીને જનહિત અરજી પ્રણાલીની મજાક બનાવવાનું બંધ કરો. આ અરજી અનેક દિવસોથી મીડિયામાં ફરી રહી છે અને હવે તમે સમય માગી રહ્યા છો? ત્યાર બાદ કોર્ટે સુનાવણી માટે બપોરના 2:00 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો હતો.
વધુ વાંચોઃ તાજ મહેલના બંધ પડેલા 22 રૂમોમાં હિંદુ દેવી-દેવતાની મૂર્તિ હોવાનો દાવો, ASI તપાસની માગ