તાજ હોટેલમાંથી 15 લાખ ગ્રાહકોનો પર્સનલ ડેટા લીક: સ્કેમર્સે કરી 5000 ડોલરની માંગણી
નવી મુંબઇ,તા.24 નવેમ્બર 2023, શુક્રવાર
ભારત સહિત દુનિયાભરમાં આજકાલ સૌથી મોટી એસેટ વ્યક્તિ કે સંસ્થાનો ડેટા બની ગઈ છે. આ ડેટાની ચોરીને કરીને જ હવે આજના જમાનાની છેતરપિંડી અને ખંડણી માંગવામાં આવે છે. આ સાયબર એટેકનો શિકાર હવે દેશનું ટોચનું સન્માનનીય ગ્રુપ ટાટા બન્યું છે. ટાટા સમૂહની માલિકીની તાજ હોટેલમાંથી ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ડેટા લીકમાં લગભગ 15 લાખ લોકોની અંગત માહિતી લીક થઈ છે.
ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર હુમલાખોર ડેની કુકીઝ છે. હેકર્સે ખુલાસો કર્યો છે કે લીક થયેલો ડેટા વર્ષ 2014-2020 વચ્ચેનો છે. અહેવાલ અનુસાર, 'Dnacookies' નામના હેકર જૂથ તરફથી ધમકીઓ આપનાર સ્કેમરે સમગ્ર ડેટાસેટ માટે 5,000 ડોલરની માંગણી કરી છે, જેમાં સરનામાં, સબ્સ્ક્રિપ્શન આઈડી, મોબાઈલ નંબર અને અન્ય વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (PII) શામેલ છે.
IHCL તાજ, સિલેકશન, વિવાંતા અને જીંજર સહિતની અન્ય હોસ્પિટાલિટી પ્રોપર્ટીનું સંચાલન કરે છે. સ્કેમર્સે એમ પણ દાવો કર્યો હતો કે ગ્રાહકનો ડેટા હજુ સુધી કોઈને જાહેર કરવામાં આવ્યો નથી. તેણે ખંડણીની માંગ કરતા પહેલા ત્રણ શરતો રાખી છે,જેનો જાહેરમાં હજી ખુલાસો હજી થયો નથી.
આ સાયબર સ્કેમર્સ એટલેકે સોશિયલ ચાંચિયા Dnacookiesએ તાજ હોટેલ ગ્રુપના ગ્રાહકોની અંગત માહિતી સાથેના આ સમગ્ર ડેટાસેટ માટે 5,000 ડોલર એટલેકે ભારતીય રકમમાં રૂ. 4,16,549ની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) અધિનિયમ ડેટા ભંગના પ્રત્યેક કેસ માટે વ્યવસાયો (ડેટા ફિડ્યુસિયરીઝ) પર રૂ. 250 કરોડ સુધીનો દંડ અને આવા તમામ ભંગ માટે મહત્તમ રૂ. 500 કરોડનો દંડ કરવાની ભલામણ કરે છે.