માણસની જેમ બે પગે ચાલતો અને પુંછડી વગરનો વાંદરો, જાત ભાતના કાઢે છે અવાજો
પૂર્વી બાંગ્લાદેશ,પૂર્વોત્તર ભારત અને દક્ષિણ પશ્ચિમ ચીનનો વિસ્તાર તેનું રહેઠાણ છે.
બારમાસી જંગલોના વૃક્ષોની છાયામાં ઉછળ કૂદ કરતો જોવા મળે છે.
ગૌહાટી,૨૭ જૂન,૨૦૨૩,મંગળવાર
પૂંછએ વાનરની સૌથી મોટી ઓળખ છે, પુંછડી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદવા તથા સમતોલન માટે મહત્વની છે પરંતુ હુલોક ગિબન નામનો એક દુર્લભ વાનર પુંછડી વગરનો હોય છે. પૂર્વી બાંગ્લાદેશ,પૂર્વોત્તર ભારત અને દક્ષિણ પશ્ચિમ ચીન વિસ્તાર તેનું રહેઠાણ ગણાય છે. ઘાટા બારમાસી જંગલ તેને ખૂબ ગમે છે. વૃક્ષોની છાયામાં ઉછળ કૂદ કરતા જોવા મળે છે. વૃક્ષોના ફળ અને પાન મુખ્ય ખોરાક છે. નર અને માદા સફેદ-ભૂરા કે કાળા રંગના હોય છે.
એક બીજા સાથે સંપર્કમાં રહેવા માટે જાત ભાતના અવાજો કાઢે છે. હુલોક ગિબનની ચાલવાની તથા દોડવાની ગતિ સારા એવા પ્રમાણમાં હોય છે. માદા ૨૩૦ દિવસનો ગર્ભધારણ કર્યા પછી એક બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાનું સરેરાશ આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. આ રેર ગણાતા જાનવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. એક આઇએફએસ અધિકારી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં માણસ જેવા વાનરને જોઇને નવાઇ લાગી રહી છે.
માણસની જેમ બે પગે ચાલી રહયો છે. ભારતીય વન સેવાના અધિકારી પરવીન કાસ્વાને પોસ્ટ કરતા લખ્યું છે કે આ હૂલોક હૂલોક, ગિબન ફેમિલીનો એક પ્રાઇમેટ છે.માણસની જેમ ચાલતો એક માત્ર વાનર અસમના કાઝીરંગા નેશનલપાર્કનો છે. ટવીટર પર આટલી સરસ દુ્લર્ભ ક્ષણોને શેર કરવા બદલ યુઝર આભાર વ્યકત કરી રહયા છે. બીજા એક ટ્વીટમાં જણાવાયું છે કે છેલ્લા ૪ દસકામાં હૂલોક ગિબ્બનની વસ્તીમાં લગભગ ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આ દુનિયામાં લૂપ્ત થતી જતી ૨૫ પ્રાઇમેટ પ્રજાતિઓમાંનો એક છે.