પાકિસ્તાન સેનાનો ડોક્ટર તહવ્વુર રાણા ભારતને નફરત કરતો હતો, જાણો મુંબઈ હુમલામાં તેની ભૂમિકા
26/11 Mumbai Attack News: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. અમેરિકાની કોર્ટે આ મામલે તહવ્વુરના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. ઓગસ્ટ, 2024માં અમેરિકાની કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો. જોકે, તહવ્વુરે ચુકાદાને પડકાર્યો હતો.
અમેરિકાની કોર્ટે તહવ્વુરની ચુકાદાને પડકારતી અરજી ફગાવી તેના પ્રત્યાર્પણ પર મંજૂરી આપી છે. અમેરિકાની કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને યથાવત રાખતા કહ્યું કે ભારતે તહવ્વુર રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે.
તહવ્વુરની 26/11 હુમલામાં ભૂમિકા
મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના સંબંધમાં પોતાની ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં રાણા પર 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાએ મુંબઈમાં જે સ્થળોએ હુમલા કરવાના હતા તેની રેકી કરી હતી અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી હતી.
તહવ્વુર રાણા ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર
તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતી. અમેરિકી અધિકારીઓએ ઓક્ટોબર 2009માં શિકાગોથી તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરી, 2013ના રોજ હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા બાદ અમેરિકાની કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં હેડલીએ અમેરિકા શિફ્ટ થતાં પહેલા 5 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યું
પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યા પછી, તહવ્વુર રાણા કેનેડામાં શિફ્ટ થયો હતો. થોડા વર્ષો પછી તેને કેનેડિયન નાગરિકતા મેળવી હતી. તેણે શિકાગોમાં 'ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસિસ' નામની કન્સલ્ટન્સી ફર્મની સ્થાપના કરી હતી, જેની એક શાખા મુંબઈમાં પણ હતી, રાણાએ 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી હુમલામાં મુંબઈના સ્થળોની રેકી કરવા માટે હેડલીની મદદ કરી હતી.
10 આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા
26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર-એ-તૌયબાના 10 આતંકવાદીઓ મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રો લઈને મુંબઈમાં દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતા. તેઓએ મુંબઈમાં 9 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા સ્થળો
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડન્ટ હોટલ, તાજ હોટલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલી. મુંબઈના પોર્ટ વિસ્તાર મઝગાંવ અને વિલે પાર્લેમાં પણ ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો.
28 નવેમ્બરની સવાર સુધીમાં, મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ તાજ હોટલ સિવાય તમામ સ્થળોને સુરક્ષિત કરી લીધા હતા. તાજ હોટલમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ની મદદ લેવી પડી હતી. એનએસજીએ 29 નવેમ્બરના રોજ 'ઓપરેશન બ્લેક ટોર્નેડો' શરૂ કર્યું, જે તાજ હોટેલમાં છેલ્લા બાકી રહેલાં હુમલાખોરોના મૃત્યુ સાથે સમાપ્ત થયું હતું. આ સાથે મુંબઈમાં 72 કલાકના આતંકવાદી હુમલાનો અંત આવ્યો. આ આતંકી હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
રાણાએ મુંબઈમાં હુમલાના સ્થળોની તપાસ કરી
ઓક્ટોબર 2009માં શિકાગોના ઓ'હાર એરપોર્ટ પર ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ બાદ તહવ્વુર રાણાની પણ અમેરિકાની પોલીસે ધરપકડ કરી હતી. 2011માં, તેને શિકાગોની કોર્ટ દ્વારા મુંબઈ હુમલા માટે લશ્કર-એ-તૈયબાને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવા અને જિલૅન્ડ્સ-પોસ્ટેન નામના ડેનિશ અખબારની ઓફિસ પર હુમલાની યોજના બનાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો. જિલૅન્ડ્સ-પોસ્ટેન અખબાર 2005માં પેગમ્બરનું કાર્ટૂન પ્રકાશિત કરીને વિવાદમાં આવ્યું હતું. ડેવિડ કોલમેન હેડલીએ તેના કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે જુલાઈ 2006માં તે તહવ્વુર રાણાને મળવા શિકાગો ગયો હતો. પછી રાણાએ તેને મુંબઈ મિશન વિશે જણાવ્યું હતું.
હેડલીએ ભારતમાં બિઝનેસ વિઝા મેળવી આપ્યાં
તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીની મદદથી મુંબઈમાં તેની ફર્મ 'ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસ'ની શાખા સ્થાપી હતી. તેણે હેડલીને 5 વર્ષ માટે ભારતમાં બિઝનેસ વિઝા મેળવવામાં મદદ કરી હતી. ત્યારબાદ હેડલીએ મુંબઈના તે સ્થળોની તપાસ કરાવી જ્યાં લશ્કરના આતંકવાદીઓએ 26 નવેમ્બર 2008ના રોજ હુમલો કર્યો હતો. 2011માં, NIAએ મુંબઈ 26/11ના આતંકી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા બદલ તહવ્વુર રાણા સહિત નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 2014માં, દિલ્હીની સેશન્સ કોર્ટે આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા જેમને NIAએ તેની ચાર્જશીટમાં ફરાર તરીકે દર્શાવ્યા હતાં.