ભારતને મોટી સફળતા, 26/11 મુંબઈ હુમલામાં સામેલ તહવ્વુર રાણાને સોંપવા અમેરિકા તૈયાર
26/11 Mumbai Attack Accussed: 26/11 મુંબઈ આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન મૂળના કેનેડાના વેપારી તહવ્વુર રાણાને ટૂંકસમયમાં સોંપવામાં આવશે. રાણાને ભારત લાવવાની પ્રક્રિયાના અહેવાલો આવ્યા છે. ઓગસ્ટ, 2024માં અમેરિકાની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, રાણાને બંને વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપવામાં આવશે.
રાણાની અરજી ફગાવાઈ
કોર્ટે રાણાની અરજી ફગાવી છે. જેમાં મુંબઈ આતંકી હુમલામાં સંડોવાયેલા આરોપીને ભારતને સોંપવાનો વિરોધ કરાયો હતો. કોર્ટે કહ્યું કે, ભારતે રાણા વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા રજૂ કર્યા હોવાથી તેમનો પ્રત્યાર્પણનો આદેશ યોગ્ય છે. મુંબઈ પોલીસની 26/11 હુમલા સંબંધિત ચાર્જશીટમાં રાણાનો ઉલ્લેખ કર્યો હતો. રાણા પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિઝ ઈન્ટેલિજન્સ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. ચાર્જશીટ અનુસાર, રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીની પણ મદદ કરી હતી. જેણે મુંબઈમાં હુમલાઓ કરવા રેકી કરી હતી.
આ પણ વાંચોઃ લખનઉમાં માતા અને 4 દિકરીના હત્યારાની ક્રાઈમ કુંડળી, દીકરીને મારી નાખી, પત્ની પણ ગુમ
પ્રત્યાર્પણ સંધિ હેઠળ લેવાયો નિર્ણય
કોર્ટે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26/11 મુંબઈ આતંકી હુમલાના એક વર્ષ બાદ એફબીઆઈએ શિકાગોમાં રાણાની ધરપકડ કરી હતી. રાણા અને તેના સાથી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઈ હુમલા માટે સ્થળોની રેકી કરી હતી. પાકિસ્તાનના આંતકવાદીઓએ હુમલાને અંજામ આપવા માટે તમામ પ્લાનિંગ કર્યા હતા.