ટેબલ ટોપ રન વે શું હોય છે? નેપાળ દુર્ઘટના બાદ ફરી ચર્ચામાં, ભારતમાં કેટલાં છે આવા રન-વે
Image Source: Twitter
Table-Top Runways: નેપાળના કાઠમાંડૂમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. કાઠમાંડૂના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ડોમેસ્ટિક વિમાન ટેક ઓફ વખતે જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન ટેક ઓફ વખતે અચાનક જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 19 લોકો સવાર હતા જેમાંથી 18 લોકોના મોત થયા છે. બીજી તરફ પાઈલટનો આબાદ બચાવ થયો છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નેપાળમાં થયેલી વિમાન દુર્ઘટનાના કારણે ફરી એક વખત ટેબલ ટોપ રન વે (Table-Top Runways) ચર્ચામાં આવી ગયો છે. ટેબલ ટોપ રન વે વિશ્વભરમાં ઘણી મોટી વિમાન દુર્ઘટનાઓનું કારણ બની ચૂક્યો છે.
શું હોય છે ટેબલ ટોપ રન વે?
ટેબલ ટોપ રનવે એ એક રનવે છે જે સામાન્ય રીતે ઊંચાઈ પર સ્થિત હોય છે. આ રન વે ઊંચા પ્રદેશ અથવા પહાડી વિસ્તાર પર છે. આ રન-વેની એક અથવા બંને બાજુએ ઊંડી ખીણ હોય છે. આનો અર્થ એ છે કે રન વે ની એક અથવા વધુ બાજુઓ ખૂબ ઢાળવાળી છે. ટેબલ ટોપ રન-વે પર પ્લેનને લેન્ડ કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે જો પ્લેન રન વે પરથી આગળ નીકળી જાય તો તે સીધું નીચે જઈને પડે છે.
આ પણ વાંચોઃ નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઑફ વખતે આગના ગોળામાં ફેરવાઈ જતા 18 મોત
ભારતમાં પણ છે પાંચ ટેબલ ટોપ રન-વે
ભારતમાં પાંચ એરપોર્ટ પર ટેબલ ટોપ રન-વે છે. એરપોર્ટ જ્યાં ટેબલ ટોપ રનવે બનાવવામાં આવ્યા છે તેમાં સિમલા, કાલીકટ, મેંગલોર, લેંગપુઈ (મિઝોરમ) અને પાક્યોંગ (સિક્કિમ) સામેલ છે. તેમાંથી કેરળ અને મેંગ્લોરના એરપોર્ટ પર પહેલા પણ મોટી દુર્ઘટના બની ચૂકી છે.
લેંગપુઈ એરપોર્ટ
આ મિઝોરમમાં બનેલું એક એરપોર્ટ છે જેનું નામ લેંગપુઈ એરપોર્ટ (Lengpui Airport) છે. આ એક ટેબલ ટોપ એરપોર્ટ છે. તેની બંને બાજુ ઘાટી છે. આ એરપોર્ટ રન વેની નીચે પાણીની ધારાઓ વહે છે. આ એરપોર્ટને ખૂબ જ જોખમી માનવામાં આવે છે.
મેંગલોર એરપોર્ટ
ભારતનું મેંગલોર એરપોર્ટ પણ એક ટેબલ ટોપ એરપોર્ટ છે. મે 2010માં અહીં એક મોટી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એર ઈન્ડિયાનું પ્લેન ટેબલ ટોપ રન વેથી આગળ નીકળી ગયુ હતું. આ વિમાન એક પહાડ પરથી નીચે પડ્યા બાદ આગની લપેટમાં આવી ગયુ હતું. આ દુર્ઘટનામાં 6 ક્રૂ મેમ્બર સહિત 158 મુસાફરોના મોત થઈ ગયા હતા.
કોઝિકોડ એરપોર્ટ પર દુર્ઘટના
દસ વર્ષ બાદ 7 ઓગસ્ટ 2020ના રોજ વધુ એક ટેબલ ટોપ રનવે દુર્ઘટનાનો સાક્ષી બન્યો હતો. દુબઈથી કોઝિકોડ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ કોવિડ મહામારીના કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા વંદે ભારત મિશનનો એક હિસ્સો હતી. પ્લેન ટેબલ ટોપ રન-વે પરથી સરકી ગયું અને નીચે ક્રેશ થઈ ગયુ હતું. આ દુર્ઘટનામાં ઓગણીસ મુસાફરો અને બંને પાઈલટ મૃત્યુ પામ્યા હતા, પરંતુ અન્ય 169 લોકો બચી ગયા હતા.