Get The App

સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો 1 - image


નેસ્લે સામે સુપ્રીમે આપેલા ચુકાદાને આગળ ધર્યો

સ્વિટ્ઝરલેન્ડમાં રોકાણ કરનારી ભારતીય કંપનીઓએ પહેલી જાન્યુ.થી ત્યાંની આવક પર ૧૦ ટકા ટેક્સ આપવો પડશે

નવી દિલ્હી: સ્વીડિશ કંપની નેસ્લે સામે સુપ્રીમ કોર્ટના વિપરીત ચુકાદાના લીધે સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનલ (એમએફએન)નો દરજ્જો રદ કર્યો છે. તેના લીધે સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરી ભારતીય કંપનીઓ પર તેની વિપરીત અસર પડશે. પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝરલેન્ડમાં મેળવેલી આવક પર દસ ટકા વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડશે. 

સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચે કંપનીઓ પર બેવડું કરભારણ ટાળવા માટે ડબલ ટેક્સશન ટ્રીટિ કરવામાં આવી હતી. આ સંધિ સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો હિસ્સો હતી. સ્વિટ્ઝરલેન્ડે હવે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો આપેલો દરજ્જો રદ કરવાની જાહેરાત કરી છે.સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કરવા માટે નેસ્લે સામે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ગણાવ્યો છે. ભારતીય સુપ્રીમ કોર્ટે સ્વિટ્ઝરલેન્ડમાં વેવેઈ ખાતે મુખ્ય મથક ધરાવતી નેસ્લે સામે વિપરીત ચુકાદો આપ્યો હતો.

સ્વિટ્ઝરલેન્ડના આ પગલાંનો સીધો અર્થ એવો થાય છે કે ભારતીય કંપનીઓએ પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી સ્વિટ્ઝરલેન્ડમાંથી થતી કમાણી પર ૧૦ ટકા વેરો ચૂકવવો પડશે. 

ભારતે કોલંબિયા અને લિથુઆનિયા જેવા દેશો સાથે પણ બેવડુ કરભારણ ટાળવા માટેની કરસંધિ કરેલી છે. લગભગ બધા ઓઇસીડી દેશો સાથે ભારતની આ સંધિ છે. ૨૦૨૧માં દિલ્હી હાઇકોર્ટે બેવડા કરભારણ નીતિને મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જામાં જોતાં કંપની પર રેસિડયુઅલ ટેક્સનો અમલ બાકી રાખ્યો હતો. પણ સુપ્રીમ કોર્ટે ૧૯ ઓક્ટોબર ૨૦૨૩ના રોજના ચુકાદામાં હાઇકોર્ટનો નિર્ણય પલટયો હતો અને તારણ કાઢ્યું હતું કે મોસ્ટ ફેવર્ડ નેશનની કલમ તે દર્શાવે છે કે આવકવેરા ધારાની જોગવાઈ ૯૦ના જાહેરનામાની ગેરહાજરી હોય ત્યારે તે લાગુ પડતી નથી. 

સ્વિસ સત્તાવાળાઓના નિર્ણયના પગલે નાંગિયા મર્જર એન્ડ એક્વિઝિશનના ટેક્સ પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે એક કરસંધિમાં આ રીતે એક પક્ષકાર તેની વિવેકમુનસફી મુજબ એકતરફી રીતે આ પ્રકારનો દરજ્જો રદ કરે છે તે બાબત દ્વિપક્ષીય સંબંધોના બદલાયેલા પરિમાણ દર્શાવે છે. તેના લીધે સ્વિટ્ઝરલેન્ડમાં કાર્યરત ભારતીય કંપનીઓ પર કરભારણ વધશે. તેની સાથે ભારતમાં કાર્યરત સ્વિસ કંપનીઓએ પણ વેરો ચૂકવવાનો આવશે.



Google NewsGoogle News