કારગિલમાં દુશ્મનોને પરાસ્ત કરવા સ્વીડનની બોફોર્સ તોપ હુકમનો એક્કો સાબીત થયેલી
બોફોર્સ તોપ વડે તોલોલિંગ પર વિજય મેળવીને ભારતીય સૈન્યએ જીતનો પાયો નાખેલો
બોફોર્સ તોપે ઘાર્યા નિશાન પાર પાડીને પાકિસ્તાનના બંકરોનો ખુરદો બોલાવ્યો
નવી દિલ્હી, 26 જુલાઇ 2024,શુક્રવાર
રાજકારણમાં બોફોર્સ શબ્દ ભષ્ટ્રાચાર અને રાજકિય ઉથલપાથલ સાથે સંકળાયેલો છે. ૧૯૮૪માં રાજીવગાંધી જયારે દેશના વડાપ્રધાન હતા ત્યારે સ્વીડનની બોફોર્સ નામની કંપની પાસેથી હોવિત્ઝર તોપો ખરીદવામાં આવી હતી. આ તોપોની ખરીદીમાં મોટા પાયે ગેરરીતી અને કટકીમાં રાજીવ ગાંધીનું પણ નામ આવતા ૧૯૮૯ના લોકસભા ઇલેકશનમાં તેમણે કારમી હાર ખમવી પડી હતી. કટકી ઉપરાંત બોફોર્સની તોપોની ટેકનોલોજી અને તેની મારકક્ષમતા અંગે પણ ઘણા શંકા કુશંકાઓ કરતા હતા. તેમ છતાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલી આ તોપોનો પહેલી વાર ૧૯૯૯માં કારગિલ વોરમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ૪૦૦ થી પણ વધુ સૈનિકો આ તોપના ગોળાનો ભોગ બન્યા હતા.
એક સમયે દેશમાં રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર બનેલી અને ખૂબ વગોવાયેલી બોફોર્સ તોપોએ જ કારગિલ વોરમાં રંગ રાખ્યો હતો. કારગિલ વોરમાં બોફોર્સ તોપે ઘાર્યા નિશાન પાર પાડીને પાકિસ્તાનના બંકરોનો ખુરદો બોલાવ્યો હતો.પાકિસ્તાનના ૪૦૦ થી પણ વધુ સૈનિકો આ તોપના ગોળાનો ભોગ બન્યા હતા. આ તોપ વજનમાં હલકી હોવાથી પહાડો પર તેની હેરફેર કરવી સહેલી હતી. ૧૨ સેકન્ડમાં ત્રણ રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી તોપ ૪૦ કિમી સુધી ગોળા ફેંકતી હતી.
માત્ર ૧૨ સેકન્ડમાં ત્રણ રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી હતી.
આ તોપની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે વજનમાં હલકી હોવા ઉપરાંત માત્ર ૧૨ સેકન્ડમાં ત્રણ રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી હતી. આ તોપે ૪૦ કિમી સુધી ધાર્યા નિશાન પાડીને દુશ્મનોના છક્કા છોડાવી દિધા હતા. કારગિલ વોર જીતવા માટે તોલોલિંગ અને દ્વાસ સેકટરની પહાડોમાં છુપાએલા દૂશ્મનોના બંકરોનો નાશ કરવો જરૃરી બની ગયો હતો.
કારણ કે આ એક એવી વ્યૂહાત્મક જગ્યા હતી જયાંથી પાકિસ્તાનનું લશ્કર ભારતીય સૈન્યની સપ્લાય લાઇન ખોરવી નાખીને સરસાઇ ભોગવતું હતું. આથી કારગિલ વોર જીતવા માટે તોલોલિંગ જીતવું ખૂબજ મહત્વનું હતું. અહીં બોફોર્સ તોપના ગોળાથી એક પણ બંકર બચ્યું ન હતું. છેવટે ૧૨ અને ૧૩ જુનના રોજ તોલોલિંગ પર વિજય મેળવવાની સાથે જ ભારતીય સૈન્યએ યુધ્ધને પોતાની ફેવરમાં લાવી દિધું હતું.
બોફોર્સ તોપના સચોટ નિશાને પાકિસ્તાનીઓના દાંત ખાટા કર્યા
પાકિસ્તાનની દાનત ઉંચાઇનો લાભ લઇને ભારતના વધુને વધુ સૈનિકોને મારવાની હતી.જો એમ થાય તો ભારત સૈન્યના મનોબળ પર અસર પડે એમ હતી ત્યારે બોફોર્સ તોપના સચોટ નિશાને પાકિસ્તાનીઓના દાંત ખાટા કરીને વળતા પાણી કરવા મજબૂર કર્યા હતા. કારગીલ વોરમાં ભારતની આર્ટલરીએ અઢી લાખ જેટલા ગોળાઓ વાપર્યા હતા જમાંથી માત્ર ૯ હજાર ગોળાઓ ટાઇગર હીલ પર જ વપરાયા હતા.
ગોળાઓના વપરાશનો આ આંકડો આંકડો બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા તોપગોળાઓ કરતા પણ વધારે હતો. આજે ભારત ઘર આંગણે બોફોર્સ કરતા પણ સારી ક્ષમતા ધરાવતી તોપોનું ઉત્પાદન કરે છે તેના પાયામાં કારગિલ વોરમાં સફળ થયેલી બોફોર્સ તોપો જ છે.