AAPની કારમી હાર વચ્ચે સાંસદ સ્વાતિ માલિવાલનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકોએ મારું ચરિત્ર હનન કર્યું તે ખુદ હાર્યા'
AAP MP Swati Maliwal On Delhi Results: આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે દિલ્હી ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં પક્ષના અધ્યક્ષ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ કેજરીવાલ ગુસ્સામાં આક્રમક બની જતાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
શું કહ્યું સ્વાતિ માલિવાલે?
સ્વાતિ માલિવાલે કહ્યું કે, ઘમંડ અને અહંકાર ચકનાચૂર જ થાય છે. જે લોકોએ મારા ચારિત્ર્યનું હનન કર્યું, અપશબ્દો કહ્યા, મને માર ખવડાવ્યો આજે તેમની જ બેઠક બચી નથી. અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી.. કેજરીવાલને ગુસ્સો બહુ આવે છે. તેઓ ગુસ્સામાં ચીજો તોડવા લાગે છે. પરંતુ હું તેમને સલાહ આપીશ કે, તેઓ આ બધું છોડી મનોમંથન કરે.
આ પણ વાંચોઃ હવે શું કરશે કેજરીવાલ? દિલ્હીમાં AAPના પરાજય બાદ દેખાશે 7 અસર
શું માલિવાલ પક્ષ છોડશે?
સ્વાતિ માલિવાલે પક્ષ છોડવાની વાત પર જવાબ આપ્યો છે કે, તેને AAP છોડવાની કોઈ જરૂર નથી. કારણકે, તેણે આ પક્ષને પોતાના 18 વર્ષ આપ્યા છે. મેં આ પક્ષ માટે ઘણું બધું કર્યું છે. અમુક લોકો મને હાંકી કાઢવા માગે છે. પરંતુ હું પક્ષ નહીં છોડું. ઉલ્લેખનીય છે, સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના અંગરક્ષક બિભવ કુમારે અપશબ્દો બોલ્યા તેમજ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદથી સ્વાતિ માલિવાલ સતત આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. જો કે, પક્ષ સાથે જોડાયેલા છે.
કેજરીવાલે મંથન કરવુંજોઈએ
સ્વાતિ માલિવાલે કેજરીવાલને પોતાની હારનું મંથન કરવા સલાહ આપી છે. તેમજ ક્યાં ચૂક રહી ગઈ તેના પર વિચાર કરી તેમાં સુધારો કરવા કામ કરવું જોઈએ. સ્વાતિ માલિવાલના આ આક્ષેપો અને સલાહથી દિલ્હીની AAPમાં ખળભળાટ મચ્યો છે.