‘મારી સાથે જે થયું તે...’ ગેરવર્તન મુદ્દે સ્વાતિની પ્રતિક્રિયા, ભાજપને પણ કરી ખાસ વિનંતી
Swati Maliwal Reaction : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાની સાથે બનેલી ઘટના પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, તેમણે પોલીસમાં નિવેદન આપી દીધું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી થશે. આ સાથે તેમણે BJPને પણ ખાસ વિનંતી કરી છે.
આ મુદ્દે રાજકારણ ન રમવા સ્વાતિની ભાજપને વિનંતી
સ્વાતિ માલીવાલે પોસ્ટમાં કહ્યું કે, ‘મારી સાથે જે થયું, તે ખૂબ જ ખરાબ થયું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને નિવેદન આપ્યું છે. મને આશા છે કે, યોગ્ય કાર્યવાહી થશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારા ચરિત્ર પર આંગળી ચિંધી અને એવું કહ્યું કે, બીજી પાર્ટીઓના ઈશારે કરી રહી છું, ભગવાન તેમને પણ ખુશ રાખે. દેશમાં મુખ્ય ચૂંટણી ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ જરૂરી નથી, દેશના મુદ્દા જરૂરી છે. ભાજપવાળાઓને ખાસ વિનંતી છે કે, તેઓ આ ઘટના પર રાજકારણ ન રમે.’
સ્વાતિ માલીવાલ સાથે શું થયું હતું?
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલીવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,'હું સ્વાતિ માલીવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે', ફોન કરનારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસ સીએમ હાઉસ પહોંચી ત્યારે સ્વાતિ માલીવાલ ત્યાં ન હતા.
મહિલા આયોગે જાતે સંજ્ઞાન લીધું
મહિલા આયોગે આજે (16 મે)એ આ મામલાને જાતે જ સંજ્ઞાન લેતા વિભવ કુમાર (Vibhav Kumar)ને 17 મેના રોજ સવારે 11 વાગે હાજર થવા નિર્દેશ આપ્યો છે. આયોગે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. આ પત્ર 13 મેના રોજ લખવામાં આવ્યો હતો. પંચે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી ત્રણ દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.
માલીવાલ મુદ્દે ભાજપનો AAPને ઘેરવાનો પ્રયાસ
ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ મામલે 14 મેએ પ્રતિક્રિયા આપી એક્સ પર લખ્યું હતું કે, ‘સ્વાતિ માલીવાલને કેજરીવાલના ઘરે પોલીસ કેમ બોલાવવી પડી? શું કેજરીવાલના પીએ બિભવે સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરી છે? શું મુખ્યમંત્રી કાર્યાલય કોઈ સ્પષ્ટતા આપશે? ભગવાન કરે સીએમ હાઉસમાં મહિલા રાજ્યસભા સાંસદ સાથે મારપીટ થયાના સમાચાર ખોટા સાબિત થાય.’ ઘટના બાદ ભાજપ કોર્પોરેટરોએ દિલ્હી નગર નિગમની બેઠકમાં માલીવાલના મુદ્દે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. મંગળવારે 11 વાગ્યે દિલ્હી નગર નિગમની બેઠકમાં મેયર શૈલી ઓબેરોય પોતાની સીટ પર પહોંચતા જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરવા લાગ્યા હતા. આ બધુ જોઈને મેયરે બેઠકને સ્થગિત કરી દીધી.
માલીવાલ સાથે ગેરવર્તન થયું હોવાનો ‘આપ’નો સ્વીકાર
આમ આદમી પાર્ટીએ માલીવાલ સાથે ગેરવર્તન થયાની વાત સ્વીકારતા 14 મેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે સંજ્ઞાન લીધું છે અને યોગ્ય કાર્યવાહી કરાશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ‘એક નિંદનીય ઘટના બની. માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના નિવાસ સ્થાને ગયા હતા. જ્યાં તેઓ ડ્રાઇંગ રૂમમાં તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બિભવ કુમારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું. મુખ્યમંત્રીએ આ મામલે સંજ્ઞાન લીધું છે અને તેઓ યોગ્ય કાર્યવાહી કરશે. માલીવાલે દેશ અને સમાજ માટે મોટા કામ કર્યા છે. માલીવાલ પાર્ટીની જૂના અને સીનિયર લીડરમાંથી એક છે. આપણે સૌ તેમની સાથે છીએ.’