'એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી..', સુપ્રીમ કોર્ટના જજ કોના પર બગડ્યાં?
Image: IANS |
Swati Maliwal Case: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બિભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલો કરવાનો આરોપ છે. જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બિભવને જોરદાર ઠપકો આપતા કહ્યું હતું કે શું તમને એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી?
બિભવ તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, બનાવ બન્યાના ત્રણ દિવસ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. માલિવાલ પોલીસ સ્ટેશન ગયા પરંતુ એફઆઈઆર નોંધાવ્યા વિના જ પરત ફર્યા હતાં. જ્યારે કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે આ આદેશને પડકાર્યો છે, ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
કોર્ટે શું કહ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું, 'જે રીતે ઘટનાઓ બની છે તેનાથી અમે ચોંકી ગયા છીએ. શું મુખ્યમંત્રીનો બંગલો ખાનગી આવાસ છે? શું તે કાર્યાલયોમાં આવા ગુંડાઓને રાખવાની જરૂર છે? શું આ રીત છે? અમને નવાઈ લાગે છે. પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું. માલિવાલે તેને અટકવાનું કહ્યું, પણ તે વ્યક્તિ રોકાયો નહીં. તે શું વિચારે છે? શું તેના મગજમાં જૂનૂન છે? તમે ભૂતપૂર્વ સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર ન હતો, તો તમને પણ ત્યાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમે એવું વર્તન કર્યું કે જાણે કોઈ ગુંડો પરિસરમાં ઘૂસ્યો હોય. શું તમને આ કરવામાં કોઈ શરમ લાગે છે? સ્વાતિ એક યુવતી છે. તમને લાગે છે કે એ રૂમમાં હાજર કોઈએ પણ બિભવ સામે કંઈ કહેવાની હિંમત કરી હશે?
આ પણ વાંચોઃ ‘મારે ન્યાય જોઈએ છે’, સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી, શરદ પવારને પત્ર લખતા રાજકીય ગરમાવો
સિંઘવીની દલીલ ફગાવાઈ
સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીઓને જામીન મળ્યાનો ઉલ્લેખ કર્યો ત્યારે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'અમને તે કેસોના સંદર્ભો ન આપો, કારણ કે અહીં કેવી ઘટના બની તે અમારી ચિંતાનું કારણ છે. સ્ત્રી સાથે આવું વર્તન કરતાં તમને શરમ નથી આવતી? કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાઓને અમે જામીન પણ આપીએ છીએ પણ આ કિસ્સામાં કેવું નૈતિક મનોબળ છે?'
ખૂબ જ કડક વલણ અપનાવતા કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી બિભવની જામીન અરજી પર જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી 7 ઓગસ્ટ, બુધવારે થશે.
શું હતો સ્વાતિ માલિવાલનો આરોપ?
દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ વડા સ્વાતિ માલિવાલે FIRમાં આરોપ લગાવ્યો હતો કે, 'અચાનક બિભવ કુમાર રૂમમાં પ્રવેશ્યા. તેણે કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર મારા પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે મારી સાથે દુર્વ્યવહાર પણ શરૂ કર્યો. હું તેના વર્તનથી ચોંકી ગયો... મેં તેને કહ્યું કે મારી સાથે આ રીતે વાત કરવાનું બંધ કરો અને મુખ્યમંત્રીને ફોન કરો.
12 જુલાઈના રોજ, દિલ્હી હાઈકોર્ટે બિભવ કુમારને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે, 'જો અરજદારને જામીન પર છોડવામાં આવે તો સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે અથવા પુરાવા સાથે ચેડાં થઈ શકે તે વાતને નકારી શકાય નહીં અને સાક્ષીઓના પ્રભાવિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જામીન આપવા યોગ્ય નથી.'