સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, CM હાઉસથી કેજરીવાલના PAની ધરપકડ
Swati Maliwal Case: આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં એક પછી એક વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી. આ મામલે સીએમ હાઉસે ધસી જઈને મુખ્યમંત્રી કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર બિભવ કુમારને પકડીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા.
સ્વાતિ માલીવાલે 13 મેએ આરોપ લગાવ્યો હતો
નોંધનીય છે કે સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી.
બિભવ કુમારે લાત અને થપ્પડ મારી હતી
AAPના રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે.
વધુ એક વીડિયો સામે આવ્યો હતો
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ સીએમ નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વીડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. આ વીડિયો મુખ્યમંત્રી નિવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી લેવાયો હતો. આ વીડિયો હવે જાહેર કરી દેવામાં આવ્યો હતો.