મારપીટ કેસમાં સ્વાતિ માલીવાલે ફરી દિલ્હીના મુખ્યમંત્રી પર સાધ્યું નિશાન, કહ્યું- ‘કેજરીવાલ અને AAP...’

Updated: May 31st, 2024


Google NewsGoogle News
મારપીટ કેસમાં સ્વાતિ માલીવાલે ફરી દિલ્હીના મુખ્યમંત્રી પર સાધ્યું નિશાન, કહ્યું- ‘કેજરીવાલ અને AAP...’ 1 - image


Swati Maliwal Case : આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal), તેમના પીએ બિભવ કુમાર (Bibhav Kumar) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે બિભવ કુમાર કેજરીવાલના ડ્રોઈંગ રૂમમાં મને દયનીય રીતે માર મારી રહ્યા હતા, ત્યારે તેઓ મને બચાવવા ન આવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, ઘટના બાદ કેજરીવાલે મને કોલ પણ કર્યો નથી અને મને મળવા પણ આવ્યા નથી. એટલું જ નહીં તેમને મને સહયોગ પણ ન આપ્યો. કેજરીવાલ અને આખી પાર્ટી બિભવ સાથે ઉભી છે.

‘મને બદનામ કરી, શરમજનક સ્થિતિમાં મુકી’

તેમણે કહ્યું કે, ‘જ્યારે મેં તેમના (બિભવ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, તો તેમણે પણ આવું જ કર્યું. મારી વિરુદ્ધ પાર્ટીના નેતૃત્વ અને સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. તેઓએ મને પીડિત તરીકે શમજનક સ્થિતિમાં મુકી અને મારા કેરેક્ટરને બદનામ કર્યું. કેજરીવાલ પોતે બિભવ કુમાર સાથે લખનઉ અને અમૃતસર ગયા. જ્યારે દિલ્હી પોલીસે બિભવની ધરપકડ કરી તો કેજરીવાલ અને પાર્ટીના તમામ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને તેમની ધરપકડનો વિરોધ કરવા લાગ્યા.’

હું અંત સુધી લડતી રહીશ : સ્વાતિ માલેવાલ

માલીવાલે વધુમાં કહ્યું કે, ‘મને એવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જાણે તે હીરો હોય અને હું વિલન... આજે હું આ આખી લડાઈમાં એકલી પડી ગઈ છું, કારણ કે મેં વિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હું એકલા હાથે લડાઈ લડી રહી છું અને અંત સુધી લડતી રહીશ, કારણ કે હું જાણું છું કે, મેં જે કહ્યું છે, તે સંપૂર્ણ સત્ય છે. હું માત્ર કોર્ટ પર આશા રાખું છું.

‘કેજરીવાલ બધા મુદ્દામાં બોલતા હોય છે, પણ મારા કેસમાં ન બોલ્યા’

તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પર નિશાન સાધી કહ્યું કે, ‘કેજરીવાલ તમામ મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતા હોય છે, પરંતુ મારા કેસમાં તેમણે કોઈપણ વાત કરવાનો કે મારી તરફેણમાં સ્ટેન્ડ લેવાની બાબતને જરૂરી સમજી નથી. હું અને મારો પરિવાર ટ્રોમાં છીએ. જ્યારે મારી પાસે કોઈ પદ કે પ્રતિષ્ઠા ન હતી અને બે રાજ્યોમાં સરકાર ન હતી, ત્યારથી 2006થી કામ કરી રહી છું.’

ઘટના શું હતી ?

ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે (Delhi Police) ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી. AAPના રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે, ત્યારબાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News