‘મુખ્યમંત્રી કેજરીવાલે ગુનેગારને આશ્રય આપ્યો...’, બિભવની ધરપકડ અંગે મહિલા આયોગનું મોટું નિવેદન
Swati Maliwal Assault Case : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારમારીના કેસમાં દિલ્હી પોલીસે આરોપી બિભવ કુમારની ધરપકડ કરી છે. તેમની ધરપકડ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
NCWની અધ્યક્ષના કેજરીવાલ પર પ્રહાર
રેખા શર્માએ કેજરીવાલ પર આકરા પ્રહાર કરી સોશિયલ મીડિયા એક્સ લખ્યું છે કે, ‘દિલ્હીના મુખ્યમંત્રીના સહયોગી બિભવ કુમારની તેઓના ઘરમાંથી ધરકપડ કરવામાં આવી, એનો અર્થ મુખ્યમંત્રીએ કથિત ગુનેગારને આશરો આપ્યો હતો.’
AAP પાર્ટીએ વીડિયો શેર કર્યો
આ કેસમાં આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં દાવો કરાયો છે કે, જે દિવસે ઘટના બની તે દિવસે સ્વાતિ માલીવાલને ઈજા થઈ ન હતી. તેમના કપડા પણ ફાટ્યા ન હતા. જ્યારે બીજા વીડિયોમાં કહેવાયું છે કે, તેઓ ઘટનાના ચાર દિવસ પર આવો ડ્રામા કરી રહી છે.
AAPએ ગૃહમંત્રાલય અને ભાજપ કર્યો ષડયંત્ર રચવાનો આક્ષેપ
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના મંત્રી અતિશીએ કહ્યું કે, ‘ગૃહ મંત્રાલયથી લઈને દિલ્હી પોલીસ સુધી તેમની (ભાજપ) આખી મશીનરી કેવી રીતે ચાલી રહી છે, તેનો પુરાવો આવતીકાલે તીસ હજારી કોર્ટમાં સામે આવી જશે. બિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં કેસ નોંધાવ્યા બાદ FIRની કોપી સત્તાવાર ઉપલબ્ધ કરાવવા માંગ કરી. પરંતુ આજે સવારે દિલ્હી પોલીસે એક જવાબ આપ્યો કે, આ FIR ખુબ જ સંવેદનશીલ છે, તેથી અમે કોર્ટમાં જમા ન કરાવી શકીએ અને આરોપીને પણ ન આપી શકીએ. જે FIR છેલ્લા બે દિવસથી તમામ મીડિયા પાસે પહોંચી ગઈ હોય, તમામ ટીવી ચેનલોને મોકલવામાં આવી હોય, ત્યારે ભાજપની પોલીસ કહે છે કે, અમે કોર્ટ અથવા આરોપીને FIR ન આપી શકીએ. આ ષડયંત્ર સીધું ગૃહમંત્રાલયથી ચાલી રહ્યું છે.’
સ્વાતિ માલીવાલે ગઈકાલે કરી હતી પોસ્ટ
ઉલ્લેનીય છે કે, ગઈકાલે સ્વાતિ માલીવાલે એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘મારી સાથે જે થયું, તે ખૂબ જ ખરાબ થયું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને નિવેદન આપ્યું છે. મને આશા છે કે, યોગ્ય કાર્યવાહી થશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારા ચરિત્ર પર આંગળી ચિંધી અને એવું કહ્યું કે, બીજી પાર્ટીઓના ઈશારે કરી રહી છું, ભગવાન તેમને પણ ખુશ રાખે. દેશમાં મુખ્ય ચૂંટણી ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ જરૂરી નથી, દેશના મુદ્દા જરૂરી છે. ભાજપવાળાઓને ખાસ વિનંતી છે કે, તેઓ આ ઘટના પર રાજકારણ ન રમે.’
સ્વાતિ માલીવાલ સાથે શું થયું હતું?
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલિવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,'હું સ્વાતિ માલિવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે', ફોન કરનારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસ સીએમ હાઉસ પહોંચી ત્યારે સ્વાતિ માલિવાલ ત્યાં ન હતા.