દ્વારકા પીઠના શંકારાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે અવસાન
- 1982માં તેઓ ગુજરાતમાં દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા
નરસિંહપુર, તા. 11 સપ્ટેમ્બર 2022, રવિવાર
હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું આજ રોજ અવસાન થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર ખાતે અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્વતી હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ હતા. થોડા દિવસો પહેલા જ સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. તેમનો જન્મ દિવસ હરિયાળી તીજના દિવસે ઉજવવામાં આવતો હતો. રામ મંદિરના નિર્માણ માટે પણ તેમણે લાંબી કાયદાકીય લડત આપી હતી.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વર ખાતે આવેલો છે. તેમણે રવિવારે બપોરે 03:30 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1924ના રોજ મધ્ય પ્રદેશના સિવની ખાતે થયો હતો. 1982માં તેઓ ગુજરાતમાં દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા.
શંકરાચાર્ય સરસ્વતીના માતા-પિતાએ બાળપણમાં તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. તેમણે 9 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને ધર્મનો રસ્તો અપનાવ્યો હતો. સ્વામી શંકરાચાર્ય સરસ્વતીએ કાશીમાં વેદ-વેદાંગ તથા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ આઝાદીની લડાઈમાં પણ હિસ્સો લીધો હતો. તેમણે 15 મહિનાની જેલની સજા પણ ભોગવી હતી. તેમણે વારાણસી ખાતે 9 મહિના અને મધ્ય પ્રદેશમાં 6 મહિનાની જેલની સજા કાપી હતી.
1942માં જ્યારે અંગ્રેજો ભારત છોડોનો નારો છેડાયો ત્યારે સ્વરૂપાનંદ સરસ્વતી પણ સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા. તે સમયે 19 વર્ષની ઉંમરે તેઓ 'ક્રાંતિકારી સાધુ' તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેઓ કરપાત્રી મહારાજના રાજકીય દળ રામ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. 1950માં તેમને દંડી સંન્યાસી બનાવવામાં આવ્યા હતા અને 1981માં તેમને શંકરાચાર્યની ઉપાધિ મળી હતી. 1950માં શારદા પીઠે સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સંન્યાસની દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે જાણીતા બન્યા હતા.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું હતું કે, સ્વામીજીએ ધર્મ, આધ્યાત્મ અને પરમાર્થ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. વર્ષ 2021માં પ્રયાગરાજમાં ગંગા સ્નાન બાદ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમના સાથે દેશ, ધર્મ પ્રત્યે ઉદારતા, સદ્ભાવના અંગે ચર્ચા કરવાની તક મળી હતી. સ્વામીજીએ મારા પિતા હતા તે સમયે 1990માં અમારી ગૃહપ્રવેશની પૂજા કરાવી હતી. આ સમગ્ર સમાજ માટે એક અપૂરણીય ક્ષતિ છે. ભગવાનને પ્રાર્થના છે કે, આ દુઃખની ક્ષણોમાં સ્વામીજીના અનુયાયીઓને કષ્ટ સહન કરવાની શક્તિ આપે.