મહાકુંભમાં 128 વર્ષના સ્વામી શિવાનંદ આકર્ષણનું કેન્દ્ર, 100 વર્ષમાં તમામ કુંભમાં ભાગ લઈ ચૂક્યા
Swami Sivananda Baba: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત યોગ સાધક સ્વામી શિવાનંદ બાબાએ છેલ્લા 100 વર્ષમાં યોજાયેલા બધા જ કુંભમાં ભાગ લીધો છે. આ બાબતની જાણકારી તેમના શિષ્ય સંજય સર્વજનાએ આપી હતી. પ્રયાગરાજમાં સોમવારથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં નાગા સાધુઓ અને અન્ય સંન્યાસીઓની જેમ 128 વર્ષના સ્વામી શિવાનંદ બાબા પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
મહાકુંભનગરના સેક્ટર 16માં સંગમ લોઅર માર્ગ પર સ્થિત બાબાના શિબિર બહાર લાગેલા બેનરમાં પ્રકાશિત તેમના આધાર કાર્ડમાં તેમની જન્મ તારીખ 8 ઑગસ્ટ, 1896 નોંધાયેલી છે. જોકે, બાબાશિવાનંદની જન્મ તારીખ અંગે કોઈ સત્તાવાર પુરાવો ઉપલબ્ધ નથી. સ્વામી શિવાનંદે છેલ્લી એક સદીમાં બધા જ કુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે.
શિવાનંદ બાબાને 125 વર્ષની વયે વર્ષ 2022માં મોદી સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. શિવાનંદ બાબાના પ્રારંભિક જીવન અંગે બેંગ્લુરુના તેમના શિષ્ય ફાલ્ગુન ભટ્ટાચાર્યએ કહ્યું કે, બાબા શિવાનંદનો જન્મ એક ભીખારી પરિવારમાં થયો હતો. ચાર વર્ષની વયે તેમના માતા-પિતાએ તેમને ગામમાં આવેલા સંત ઓમકારાનંદ ગોસ્વામીને સોંપી દીધા હતા, જેથી તેમને ભોજન-પાણી મળી શકે.
છ વર્ષની વયે શિવાનંદ બાબાએ એક જ સપ્તાહમાં બહેન અને માતા-પિતા ગુમાવ્યા તેમણે એક જ ચિતામાં માતા-પિતાના દાહ સંસ્કાર કર્યા. ત્યાર પછી સંત ઓમકારાનંદ ગોસ્વામીએ જ તેમનો ઉછેર કર્યો.
તેમના અન્ય એક શિષ્યા શર્મિલા સિંહાએ કહ્યું કે, તેઓ બાળપણથી જ શિવાનંદ બાબાને ઓળખે છે. તેમનું જીવન એકદમ સરળ છે. તેઓ દરેક વ્યક્તિને નમન કરે છે. તેઓ કોઈની પાસેથી દાન લેતા નથી અને 1977થી તેમણે રૂપિયાને સ્પર્શ પણ નથી કર્યો. તેઓ કાશીના ઘાટ પર લોકોને યોગ શિખવાડે છે.
તેમણે તેમનું જીવન લોકસેવામાં સમર્પિત કરી દીઘું છે. ભટ્ટાચાયેએ કહ્યું કે, બાબા શિવાનંદ અડઘું પેટ ભરાય તેટલું જ ભોજન કરે છે. તેઓ મીઠા અને તેલ વિનાનું ઉકાળેલું ભોજન આરોગે છે. બાબા રાતે 9:00 વાગ્યે સુઈ જાય છે અને સવારે 3:00 વાગ્યે ઊઠે છે. સવારે યોગ-ઘ્યાન કરે છે. ત્યાર પછી આખો દિવસ તેઓ સૂતા નથી. સ્વામી શિવાનંદ બાબા વારાણસીના કબીર નગર, દુર્ગાકુંડમાં રહે છે. કુંભ મેળા પછી તેઓ બનારસ પાછા જતા રહેશે.