જગદગુરુ રામભદ્રાચાર્યની દિલ્હી એઈમ્સમાં હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સફળ, હવે તબિયત સામાન્ય
હાલમાં જ જગદગુરુને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે
Rambhadracharya Health Update: તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્યની દિલ્હી એઈમ્સમાં હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સફળ થઈ છે. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. જગદગુરુ રામભદ્રાચાર્યની હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કાર્ડિયોલોજી વિભાગના ડો.અંબુજ રાય અને કાર્ડિયોથોરાસિક સર્જરીના ડો.શિવ ચૌધરીના નેતૃત્વમાં ચાલી હતી.
રામકથા વાંચન દરમિયાન તબિયત લથડી હતી
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના હાથરસમાં રામકથા વાંચન દરમિયાન જગતગુરુ રામભદ્રાચાર્યની તબિયત બગડી હતી. રામભદ્રાચાર્યને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને આગ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને આગ્રાથી દહેરાદૂન અને પછી દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવી હતી. હવે તે એકદમ સ્વસ્થ હોવાનું કહેવાય છે.
જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાશે
ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ગીતકાર, ઉર્દૂ કવિ ગુલઝારને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જગદગુરુ રામભદ્રાચાર્ય સંસ્કૃતના વિદ્વાન છે. દુનિયાભરમાં આધ્યાત્મિક ગુરુ અને શિક્ષક તરીકે જાણીતા રામભદ્રાચાર્ય 100થી વધુ પુસ્તક લખી ચૂક્યા છે. આ સાથે તુલસીદાસ ગોસ્વામીના લેખન વિશે પણ તેમણે ઊંડું સંશોધન કર્યું છે. જન્મના બે મહિનામાં જ તેમની આંખોની રોશની જતી રહી હતી. નેત્રહીન રામભદ્રાચાર્ય દિવ્યાંગોની એક યુનિવર્સિટી અને સ્કૂલના પણ સંચાલક છે. આશ્ચર્યની વાત એ છે કે, તેઓ 22 ભાષાનું જ્ઞાન ધરાવે છે.