VIDEO:‘રામલલા તો હજારો વર્ષોથી છે, પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર જ ક્યાં હતી’, સપા નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે
UP Assembly Budget Session: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસમામાં તેમણે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને સવાલો ઉઠાવતા કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટી માત્ર નાટક કરી રહી છે અને એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેમની સરકાર પહેલા રામલલા નહોતા. શું ભગવાન રામ નિર્જીવ થઈ ગયા હતા, જેથી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર પડી? હજારો વર્ષોથી ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. તેનાથી કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ ન હતો પરંતુ ભાજપ, આરએસએસ અને વીએચપીનો કાર્યક્રમ હતો.'
સ્વામી પ્રસાદ મૌર્યનું હિન્દુઓને લઈને વિવાદિત નિવેદન
હિન્દુઓને લઈને સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ઉચ્ચ જાતિના હિન્દુ લોકો ઓબીસી, એસસી અને એસટીનું અનામતનો લાભ લઈ રહ્યા છે અને એમ પણ કહે છે કે ઓબીસી, એસસી અને એસટી પણ હિન્દુ છે. મેં રાજ્યપાલ આનંદીબેન પટેલે આપેલું સંબોધન સાંભળ્યું. જેમાં માત્ર સરકારના વખાણ થયા છે. આ જમીની વાસ્તવિકતાથી તદ્દન વિરુદ્ધ છે.'
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુઓ અને સનાતન ધર્મને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારે ભાજપે તેમના નિવેદન પાછળ અખિલેશ યાદવને જવાબદાર ઠેરાવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે,'આ તેમનું અંગત નિવેદન છે. પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સપા તમામ ધર્મોને સમાન માને છે.'