'મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો નહીંતર...' કદાવર નેતાની ખુલ્લી ધમકી, ભાજપને પણ લપેટ્યો
Swami Prasad Maurya Statement On Sambhal: રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે સંભલ મુદ્દે કહ્યું છે કે, ભાજપ મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરે નહીં તો મંદિરોમાંથી પણ બૌદ્ધ મઠ મળી આવશે. સરકાર હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉછાળી લોકોને ભડકાવી રહી છે. મૌર્યે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા સાંપ્રદાયિક તિરાડો પાડવાનું પ્લે કાર્ડ રમી રહી હોવાનું જણાવ્યું છે.
મસ્જિદમાં મંદિર શોધશો, તો મંદિરમાં બૌદ્ધ મઠો મળશે
સ્વામી પ્રસાદ મૌર્ય મંગળવારે મોડી રાત્રે મૈનપુરીમાં કિશ્ની વિધાનસભા ક્ષેત્રના કુસમારા વિસ્તારના ગોલા કુઆન ગામના મનોજ શાક્યની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા ગયા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું અને ધમકી આપી હતી કે, લોકોએ મસ્જિદોમાં મંદિરો શોધવાનું બંધ કરવું જોઈએ નહીંતર મંદિરોમાં બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવશે.
ઇતિહાસ ગવાહ છે, આ બૌદ્ધ ધર્મના તીર્થસ્થળો
સંભલની ઘટના સંદર્ભે પૂછવામાં આવેલા સવાલ અંગે કહ્યું કે, 'જુઓ, જો તમે જૂની-પુરાણી વાતો બહાર લાવવાનો પ્રયાસ કર્યો તો તેના પરિણામ વિપરિત આવશે. એટલે જ મસ્જિદમાં મંદિર શોધવાનું બંધ કરો. જો તમે મસ્જિદમાં મંદિર શોધશો તો લોકો મંદિરમાં બૌદ્ધ મઠો શોધવાનું શરુ કરશે. ઇતિહાસ આ હકીકતનો સાક્ષી છે કે બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ બૌદ્ધ ધર્મના તીર્થસ્થળો હતા, તે બધાનું હિન્દુ ધર્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. જો આમ થશે તો વાત અહીં અટકશે નહીં, છેક સુધી જશે. સમ્રાટ અશોકે 84 હજાર બૌદ્ધ સ્તંભ બનાવ્યા હતા, તે ક્યાં ગયા? એટલે કે, આ લોકોએ તેને તોડીને મંદિરો બનાવ્યા છે, તેથી જો મસ્જિદમાં મંદિરની શોધ થશે, તો મંદિરમાં બૌદ્ધ મઠની શોધ થશે.'
સરકાર હિંદુ-મુસ્લિમ પર પ્લેકાર્ડ રમવાનું બંધ કરો
તમામ પાયાની સમસ્યાઓ પર જવાબ ન આપવા માટે સરકાર દેશની જનતાને મંદિર, મસ્જિદ અને હિંદુ-મુસ્લિમ જેવા મુદ્દાઓ પર ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી સરકારનો પર્દાફાશ ન થાય, સરકારની નિષ્ફળતાનો કોઈ ઉલ્લેખ ન થાય, કથળતી કાયદો અને વ્યવસ્થા પર કોઈ ચર્ચા ન થાય, બેરોજગારી પર કોઈ ચર્ચા ન થાય, મોંઘવારી પર કોઈ ચર્ચા ન થાય, જાતિની વસ્તી ગણતરી પર કોઈ ચર્ચા ન થાય. અનામત નાબૂદ કરવામાં આવી રહી છે અને બંધારણની ચર્ચા થવી જોઈએ નહીં. જનતાની આંખમાં ધૂળ નાંખવા હિંદુ-મુસ્લિમનો ઉપયોગ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.
ધાર્મિક સ્થળની સ્થિતિ જેમ છે તેમ સ્વીકારો
દેશમાં શાંતિ જાળવવા માટે જરૂરી છે કે દેશમાં કોઈપણ ધર્મના ધાર્મિક સ્થળનો જે દરજ્જો 15 ઑગસ્ટ 1947ના રોજ હતો તેવો સ્વીકાર કરવામાં આવે. જેથી દેશમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો રહે. આપણી સંસ્કૃતિ હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસીઓએ એકબીજાના ભાઈ બનીને દેશને આગળ વધારવાની છે. જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં જ મંદિર અને મસ્જિદનું રાજકારણ થાય છે.
આ છે નિષ્ફળ સરકાર
સ્વામી પ્રસાદ મોર્યે ભાજપ સમર્થિત એનડીએ સરકારને નિષ્ફળ સરકાર ગણાવી છે. ખેડૂતો પર અત્યાચાર, મોંઘવારી, ગરીબી, બેકારી જેવા મુદ્દાઓ ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી છે. શિક્ષણ પણ મોંઘું બન્યું છે જેથી ખેડૂત અને ગરીબ વર્ગ અભ્યાસથી વંચિત બન્યો છે.