વિવાદિત નિવેદનો માટે જાણીતા નેતાએ બનાવી નવી પાર્ટી, સમાજવાદી પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું
સ્વામી પ્રસાદ મૌર્યની પાર્ટીનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
UP Politics: સમાજવાદી પાર્ટીથી નારાજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આજે પોતાની નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. તેમણે પોતાની પાર્ટીનો ઝંડો પણ જારી કરી દીધો છે. આ ઉપરાંત હવે સ્વામી પ્રસાદ મૌર્ય 22 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે. તેઓ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામેલ થશે.
રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીનું ગઠન
છેલ્લા ઘણા દિવસોથી સપાથી નારાજ સ્વામી પ્રસાદ મૌર્યએ હવે આજે નવી પાર્ટીનું ગઠન કરી પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો છે. તેમણે આ પાર્ટીના ઝંડાની તસવીર પણ મીડિયા સાથે શેર કરી છે. જો કે આ પાર્ટીમાં તેમની સાથે કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી થયું. સ્વામીની પાર્ટીનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી છે. હવે સ્વામી પ્રસાદ મૌર્ય મંગળવારે રાયબરેલી જશે જ્યાં તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રામાં સામેલ થશે.
સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું
આ પહેલા ગત અઠવાડિયે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું. સ્વામી પ્રસાદ મૌર્યએ આ માહિતી પોતાના 'X' એકાઉન્ટ પર આપી હતી. તેમણે રાજીનામું પત્ર પોસ્ટ કરતી વખતે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીને ટેગ કર્યા હતા.
સ્વામી પ્રસાદે લખ્યું કે હું સમજી નથી શક્યો કે હું એક રાષ્ટ્રીય મહાસચિવ છું જેનું કોઈ પણ નિવેદન વ્યક્તિગત નિવેદન બની જાય છે અને પાર્ટીના કેટલાક રાષ્ટ્રીય મહાસચિવ અને નેતાઓ એવા પણ છે જેમનું દરેક નિવેદન પાર્ટીનું નિવેદન બની જાય છે. એક જ સ્તરના અધિકારીઓમાં કેટલાકનું વ્યક્તિગત અને કેટલાકનું પાર્ટીનું નિવેદન બની જાય છે જે મારી સમજની બહાર છે.