મહાકુંભમાં 'પાપી' વાળા નિવેદન પર વિવાદ વકર્યો, શંકરાચાર્યનો ચંદ્રશેખરને સણસણતો જવાબ
Controversy Over Chandrashekhar Statement: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાગ લેવા દેશ અને દુનિયામાંથી ઋષિ-મુનિઓ અને ભક્તો આવી રહ્યા છે. 26મી ફેબ્રુઆરી સુધી મહાકુંભનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એક નિવેદન આપતા ચંદ્રશેખરે કહ્યું કે, 'મહાકુંભમાં એવા લોકો જ જશે જેમણે પાપ કર્યું છે.' હવે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે આ અંગે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
ચંદ્રશેખર આઝાદના નિવેદન પર શંકરાચાર્યનો પલટવાર
શંકરાચાર્યએ સાંસદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'તો તેનો મતલબ કે મહાકુંભમાં પાપીઓ જ આવે છે? તો આવું કહેવા પાછળ તેમનો શું ઉદેશ્ય છે કે અહિયાં જે લોકો આવે છે એ દરેક પાપી લોકો છે અને જે નથી આવ્યા તે પુણ્ય આત્મા છે. તેમનો મતલબ એવો છે કે કુંભમાં જે આવ્યા તે પાપી અને જે નથી આવ્યા તે પુણ્યઆત્મા છે. તો શું તમે મહાકુંભમાં આવ્યો છો કે નથી આવ્યા? જો તે સંપૂર્ણપણે નિષ્પાપી છે તો એવી પુણ્યઆત્માના દર્શન કરવા જોઈએ. તેમને અનુરોધ કરીએ છીએ કે દર્શન આપે.'
જગદગુરુ શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, 'અમે અમારી શ્રદ્ધાના કારણે અહીં આવ્યા છીએ અને ખૂબ જ ખુશ છીએ. આ કોઈને પણ સમસ્યા ન હોવી જોઈએ.'
ભાજપની આકરી પ્રતિક્રિયા
ચંદ્રશેખરના આ નિવેદન બાદ ભાજપ તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી છે. યુપી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે કુંભ પર ચંદ્રશેખર આઝાદનું નિવેદન કાગડા જેવું છે. કુંભ પર બધેથી કોયલ જેવો સુંદર અવાજ આવી રહ્યો છે, જયારે તેઓ કોઈ બગીચામાં કોઈ કાગડો બોલતો હોય તેમ બોલી રહ્યા છે.