બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં વાઘનું શંકાસ્પદ મૃત્યુ, વીજ કરંટથી શિકારની શક્યતા

કર્ણાટકની સરખામણીમાં મધ્યપ્રદેશમાં 2022માં વાઘના મૃત્યુની સંખ્યા બમણી

2022માં મધ્ય પ્રદેશમાં 34 વાઘના મોત થયા

Updated: Feb 4th, 2023


Google NewsGoogle News
બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં વાઘનું  શંકાસ્પદ મૃત્યુ, વીજ કરંટથી શિકારની શક્યતા 1 - image


બાંધવગઢ ટાઈગર રિઝર્વની ઘુંઘુટી ફોરેસ્ટ રેન્જના બલવાઈ બીટ પાસે વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી વન વિભાગ હરકતમાં આવ્યું છે. વાઘનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્કવોડને આ સ્થળ પર  બોલાવવામાં આવી હતી.

ફોરેસ્ટ રેન્જ ઓફિસરના કહેવા મુજબ વાઘનું મોત શંકાસ્પદ છે. આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મુદના નાળા પાસે વાઘનો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે વાઘને વીજ કરંટથી શિકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે વાઘના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ જાણી શકશે. બાંધવગઢ જેવા વાઘ અનામત વિસ્તારમાંથી વાઘના મોતથી વન વિભાગના કર્મચારીઓની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે.

ગયા વર્ષમાં 34 વાઘના મૃત્યુ થયા
મધ્ય પ્રદેશમાં લગભગ 550 વાઘ છે, જે દેશમાં સૌથી વધુ છે. આ કારણે રાજ્યને વાઘનું રાજ્ય પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે, NTCA અનુસાર, કર્ણાટકની સરખામણીમાં મધ્યપ્રદેશમાં 2022માં વાઘના મૃત્યુની સંખ્યા બમણીથી વધુ છે. 2022માં કર્ણાટકમાં 15 વાઘના મોત થયા હતા, જ્યારે મધ્ય પ્રદેશમાં 34 વાઘના મોત થયા હતા. જેના કારણે મધ્યપ્રદેશ સામે ટાઈગર સ્ટેટનું બિરુદ બચાવવું એક પડકાર બની ગયું છે.


Google NewsGoogle News