PM મોદી અને મોહમ્મદ યુનુસની મુલાકાત પર સસ્પેન્સ, બાંગ્લાદેશની અપીલ છતાં ભારતે કેમ અટકાવ્યો નિર્ણય?
PM Modi-Mohammad Yunus Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ વચ્ચે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બેઠક થશે કે નહીં તે મુદ્દે હજુ સસ્પેન્સ યથાવત છે. સૂત્રો અનુસાર યુનુસ સરકાર તરફથી જ આ બેઠક કરવા માટે અપીલ કરવામાં આવી છે. જો કે, ભારત તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ જ મહિને સંયુક્ત રાષ્ટ્રમાં મહાસભા યોજવવાની છે, ત્યારે બાંગ્લાદેશની માંગ છે કે ન્યૂયોર્કમાં જ યુનુસ અને મોદી વચ્ચે બેઠક થાય. ભારતે આ મુદ્દે હજુ સુધી નિર્ણય લીધો નથી, ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં કોની કોની સાથે બેઠક કરવાના છે તે મુદ્દે હજુ ચર્ચા ચાલી રહી છે, અંતિમ નિર્ણય લેવાયો નથી.
યુનુસે ભારતને ચીમકી કેમ આપી?
નોંધનીય છે કે, હાલમાં જ મોહમ્મદ યુનુસે શેખ હસીનાની ટીકા કરી હતી. શેખ હસીના હાલ તો ભારતની શરણે છે, ત્યારે યુનુસની માંગ છે કે ભારતે હસીના સામે કાર્યવાહી કરવી જોઈએ. આટલું જ નહીં યુનુસે કહ્યું હતું કે શેખ હસીનાએ મૌન રહેવું જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારને યુનુસના આ નિવેદનો સારા નથી લાગ્યા. એવામાં બેઠક કરવી કે નહીં તેને લઈને અસમંજસ છે. યુનુસે કહ્યું હતું, કે 'જો ભારતે શેખ હસીનાને પોતાની પાસે રાખે છે, તો એક શરત હશે કે હસીનાએ મૌન રહેવું પડશે. ભારતમાં રહીને તે બાંગ્લાદેશને દિશા નિર્દેશ આપી રહ્યા છે, જે બાંગ્લાદેશ અને ભારત બંને દેશો માટે સારી બાબત નથી.'
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અત્યંત હિંસક આંદોલન બાદ આર્મીએ સત્તાપલટો કર્યો હતો. શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડીને ભારત આવી જવું પડ્યું હતું. જે બાદ મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના પ્રમુખ બન્યા છે. વડાપ્રધાન મોદી અને યુનુસ વચ્ચે 16મી ઓગસ્ટે ટેલિફોનિક વાતચીત થઈ હતી.