ઈંગ્લેન્ડના ખેલાડીઓને હંફાવનારા તિલક સામે સૂર્યા પણ નતમસ્તક, યુવા ખેલાડીના રિએક્શને દિલ જીત્યાં
Ind Vs Eng Player Of The Match Tilak Verma: ચેન્નઈમાં રમાયેલી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટી20 મેચમાં ભારતની જીતનો શ્રેય તિલક વર્માના ફાળે જાય છે. ચેન્નઈમાં ખરાબ પીચ પર બેટર્સ માટે રન બનાવવું મુશ્કેલ બન્યું હતું. એવામાં 22 વર્ષીય તિલક વર્માએ ધૂંઆધાર બેટિંગ કરી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તિલક વર્માની આગળ નતમસ્તક થઈ તેની સફળતાને વધાવી હતી. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જીતનો સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તિલક વર્મા આ મેચનો પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
ઈંગ્લેન્ડે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ઈંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરી 165 રન બનાવ્યા હતા. ભારતની બેટિંગમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલો ખેલાડી તિલક વર્મા 166 રનના ટાર્ગેટમાં 72 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર બે વિકેટના નુકસાને આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. જેમી ઓવરટનની બોલિંગમાં છેલ્લી ઓવરના બીજા બોલમાં તિલક વર્માએ ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારે તિલ વર્માની આગળ નતમસ્તક થઈ તિલકને તાળીઓથી વધાવ્યો હતો. જેની પ્રતિક્રિયામાં તુરંત જ તિલકે પણ નતમસ્તક થઈ શાબાશી સ્વીકારી હતી.
ઈંગ્લેન્ડ ટીમનુ ખરાબ પર્ફોર્મન્સ
ઈંગ્લેન્ડની ટીમ આ મેચમાં કોઈ ખાસ કરામત બતાવી શકી ન હતી. ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમના બંને ઓપનર ફિલ સોલ્ટ (4 રન) અને બેન ડકેટ (3 રન)માં પવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. અંતે બ્રાયડન કાર્સે 17 બોલમાં 31 રન બનાવી કુલ 165નો સ્કોર કરવામાં મદદ કરી હતી.
ટીમ ઈન્ડિયાની શરૂઆત શુષ્ક રહી
ટીમ ઈન્ડિયા બેટિંગ શરૂઆતમાં કોઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા 12 રનમાં જ્યારે સંજુ સેમસન 5 રનમાં આઉટ થયો હતો. જો કે, બાદમાં ત્રીજા સ્થાને બેટિંગ કરવા ઉતરેલા તિલક વર્માએ મીડિલ ઓર્ડર સુધી ટીમનો સાથ આપી જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ક્રિઝ પર લાંબો સમય સુધી ટકી શક્યા ન હતાં.