અયોધ્યામાં ધર્મ પથ પર 'સૂર્ય સ્તંભ' સ્થાપિત કરાયો, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી પૂરજોશમાં
Image Source: Twitter
- PM મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે
નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમમાં 6 હજારથી વધુ મહેમાનો સામેલ થશે. તે પહેલા અયોધ્યામાં ધર્મ પથ પર 'સૂર્ય સ્તંભ' સ્થાપિત કરવામાં આવ્યો છે. અયોધ્યાના DM નિતીશ કુમારે જણાવ્યું કે, લતા મંગેશકર ચોક પાસે ધર્મ પર પર શરૂઆત અને અંતિમ બિંદુ વચ્ચે નિયમિત અંતર પર 'સૂર્ય સ્તંભ' સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
'સૂર્ય સ્તંભ'માં શું છે ખાસ?
અયોધ્યામાં ધર્મ પથ પર રઘુવંશીઓના આરાધ્ય ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આખી અયોધ્યામાં 40 સ્થળો તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી મુખ્ય માર્ગને વધુ આકર્ષણ મળશે. લોક નિર્માણ વિભાગ નવ મીટર લાંબી તથા ચાર મીટર ઊંચી 85 દીવાલોનું નિર્મણા કરી રહ્યા છે જેના પર રામ કથાનું ચિત્રણ કરવામાં આવશે. 30-30 મીટરના અંતરે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ માર્ગને ધર્મ પથનું નામ આપવામાં આવ્યુ
અયોધ્યામાં લખનૌ-ગોરખપુર નેશનલ હાઇવે (NH-27) પર સાકેત પેટ્રોલ પંપથી લઈને લતા મંગેશકર ચૌક સુધીના માર્ગને ધર્મ પથનું નામ આપવામાં આવ્યુ છે. આ રસ્તો લગભગ 2 કિમીનો છે. રામજન્મભૂમિને હાઈવે સાથે જોડનારો આ જ મુખ્ય માર્ગ છે.
રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયુ છે તેની તસવીરો પણ સામે આવી ચૂકી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ તસવીર શેર કરી હતી.