Get The App

'7 દિવસમાં પાછા સોંપી દો લૂંટેલા હથિયાર', રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ મણિપુરના રાજ્યપાલની ચેતવણી

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
'7 દિવસમાં પાછા સોંપી દો લૂંટેલા હથિયાર', રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ મણિપુરના રાજ્યપાલની ચેતવણી 1 - image


Manipur Governor AK Bhallas Ultimatum: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યપાલ અજય ભલ્લાએ ગુરુવારે ઉપદ્રવીઓને અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે તમામ સમુદાયના લોકોને લૂંટેલા અને ગેરકાયદે હથિયારોને 7 દિવસમાં પાછા સોંપી દેવાની ચેતવણી આપી છે. જણાવી દઈએ કે, મણિપુરમાં મે 2023થી હિંસા ચાલી રહી છે. રાજ્યમાં લાંબા સમય સુધી હિંસા કાબૂ ન થઈ શક્યા બાદ ગત દિવસોમાં મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું છે.

મણિપુર રાજ્યપાલે શું કહ્યું?

મણિપુર રાજ્યપાલે નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવને અસર પહોંચાડનારી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓએ છેલ્લા 20 મહિનાથી ખીણ અને પહાડી બંનેમાં મણિપુરના લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમામ સમુદાયના લોકો, વિશેષ કરીને ખીણ અને પહાડીના યુવાનોને અપીલ કરવા માગું છું કે તેઓ સ્વેચ્છાથી આગળ આવે અને લૂંટેલા અને ગેરકાયદે હથિયારો અને દારૂ-ગોળાને આજથી સાત દિવસની અંદર નજીકના પોલીસ સ્ટેશન અથવા ચોકી અથવા સુરક્ષા દળના કેમ્પમાં સરન્ડર કરી દે.'

તેમણે કહ્યું કે, 'આ હથિયારોને પરત કરવાનું એક પગલું શાંતિ નક્કી કરવાની દિશામાં એક શક્તિશાળી ઇશારો હોઈ શકે છે.'

આદેશ ન માનવા પર થશે કાર્યવાહી

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ કહ્યું કે, 'હું તમને વિશ્વાસ અપાવવા માગું છું કે જો એવા હથિયાર નક્કી સમયની અંદર પરત કરી દેવામાં આવે છે તો કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. જો ત્યારબાદ એવા હથિયારો ક્યાંયથી મળે છે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.'

મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે તણાવ બાદ મે 2023માં હિંસાની શરુઆત થઈ હતી. ત્યારબાદથી રાજ્યમાં સતત હિંસા ચાલી રહી છે. તેમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ હજારો ઘરોને પણ આગના હવાલે કરી દીધા. અનેક ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી હસ્તિઓના ઘરને પણ આગ લગાવી દેવાઈ હતી.

'7 દિવસમાં પાછા સોંપી દો લૂંટેલા હથિયાર', રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ મણિપુરના રાજ્યપાલની ચેતવણી 2 - image


Google NewsGoogle News