ભાજપના કેન્દ્રીયમંત્રીએ ઉદ્ઘાટન માટે પૈસા માંગ્યા! કહ્યું - 'હું સાંસદની સાથે સાથે...', જાણો નિયમ શું છે?

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
suresh gopi


Suresh Gopi talks of charging fees for Inaugurating Events: ભારતમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા અમુક નિયમો અને કાયદા છે. જો કોઈ વ્યક્તિ વિધાનસભા, લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય હોય, તો તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કોઈ નફાનો હોદ્દો ધરાવી શકે નહીં. જો તે કોઈ લાભનું પદ ધરાવે છે તો ચૂંટણી પંચ તે સભ્યને ગેરલાયક ઠેરવી શકે છે. કેરળના ભાજપના સાંસદ સુરેશ ગોપી, જેઓ એક અભિનેતા છે, તેમણે કહ્યું કે, 'હું પહેલાની જેમ કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફી લઈશ અને તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરીશ.'

કેરળમાં સુરેશ ગોપીએ પહેલીવાર કમળ ખીલવ્યું

કેરળના વતની સુરેશ ગોપી અભિનેતામાંથી રાજકારણી બન્યા છે અને થ્રિસુર બેઠક જીતીને લોકસભામાં પહોંચીને ભાજપને એક ઐતિહાસિક જીત અપાવી છે. કારણ કે પહેલીવાર કેરળનો કોઈ વ્યક્તિ ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી બનાવ્યા છે. 

સુરેશ ગોપી અભિનેતા પણ છે 

પરંતુ સુરેશ ગોપીને હજુ પણ અભિનયમાં ખૂબ જ રસ છે. તેથી, તેમણે જીત બાદ તરત જ જાહેરાત કરી કે તે ફિલ્મોમાં અભિનય ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે હું જે કંઈ કમાણી કરું છું, તેનો એક ભાગ લોકો અને સમાજના કલ્યાણ માટે ખર્ચ કરીશ.' આ કારણે લોકો તેના ખૂબ વખાણ કરે છે. પરંતુ હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું જેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.

હું કાર્યક્રમમાં ઉદ્ઘાટનના ફી લઈશ 

સુરેશ ગોપીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારોની જેમ કાર્યક્રમોમાં જઈશ અને ઉદ્ઘાટનના કાર્યક્રમો માટે પૈસા પણ લઈશ. હું જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાઉં તો એવું ન વિચારો કે હું સાંસદ તરીકે તેનું ઉદ્ઘાટન કરીશ. હું અભિનેતા તરીકે જ આવીશ. અન્ય લોકોની જેમ હું આ માટે ફી લઈશ, જે રીતે મારા અન્ય સાથીદારો કરે છે', જો કે સુરેશ ગોપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાંથી જે પણ પૈસા મળશે તે સંપૂર્ણ રીતે તેમના ટ્રસ્ટમાં જશે અને લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે. 

સાંસદ લાભનું પદ ન મેળવી શકે 

હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોઈ સાંસદ અન્ય વ્યવસાયો પણ અપનાવી શકે છે? તેના માટે શું નિયમો અને કાયદા છે?

બંધારણની કેટલીક જોગવાઈઓ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં અમુક જોગવાઈ કરવામાં આવી છે. સાંસદ માટે અયોગ્યતા માટેના મૂળભૂત માપદંડો બંધારણના અનુચ્છેદ 102માં અને ધારાસભ્ય માટે કલમ 191માં નિર્ધારિત છે.

બંધારણની કલમ 102માં જણાવવામાં આવ્યું છે કે ક્યાં કાયદા મુજબ કોઈ સાંસદને ગેરલાયક ઠેરવી શકાય છે. બંધારણની કલમ 102 (1A) મુજબ કોઈપણ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઈ પદ પર રહી શકે નહીં જ્યાં પગાર અથવા ભથ્થાં સહિત અન્ય કોઈપણ લાભો ઉપલબ્ધ હોય. તેમજ કલમ 191 મુજબ ધારાસભ્યને ક્યાં ક્યાં કામ માટે અયોગ્ય ગણવામાં આવશે.બંધારણની કલમ 191 (1A) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9A હેઠળ સાંસદો અને ધારાસભ્યોને અન્ય જગ્યાએથી લાભ લેવાથી રોકવાની જોગવાઈઓ છે.

જયા બચ્ચનને 2006માં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા 

2006માં ચૂંટણી પંચે જયા બચ્ચનને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. સાંસદ હોવા દરમિયાન, તે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા, જેને સુપ્રીમ કોર્ટે નફાનું પદ જાહેર કર્યું હતું. તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે, "કોઈ વ્યક્તિ નફાનું પદ ધરાવે છે કે કેમ તે નક્કી કરવા માટે, શું સંબંધિત છે કે શું નફો અથવા નાણાકીય લાભ આપવા માટે તે સક્ષમ છે કે નહીં અને તે વ્યક્તિએ ખરેખર નાણાકીય લાભ મેળવ્યો છે કે નહીં. એ જાણવું જરૂરી છે."

2018માં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો

માર્ચ 2017માં દિલ્હી બીજેપીના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કાયદાની પ્રેક્ટિસ ચાલુ રાખતા સાંસદો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે જો સાંસદોને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે, તો તેઓ તેમના ક્લાયંટ પાસેથી ફી વસૂલશે અને સાંસદનો પગાર પણ ઉઠાવશે, જે "વ્યાવસાયિક ગેરવર્તણૂક" સમાન હશે.

આના પર, સુપ્રીમ કોર્ટે 2018 માં તેના આદેશમાં કહ્યું હતું કે ધારાસભ્યો અથવા સંસદ "સંપૂર્ણ સમયના પગારદાર કર્મચારીઓ" નથી જે ધારાસભ્ય બને છે તેઓ તેમની કાનૂની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છે કારણ કે તેઓ એડવોકેટ એક્ટ, 1961 હેઠળ કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે. તેમને રોકવા માટે એવો કોઈ કાયદો નથી.

આ જ વાત સાંસદ સુરેશ ગોપીને પણ લાગુ પડે છે. તે એક અભિનેતા છે. તેમને હંમેશા ફિલ્મો નહીં મળે અને એવું પણ નથી કે તેમને દર મહિને પૈસા મળશે.

ભાજપના કેન્દ્રીયમંત્રીએ ઉદ્ઘાટન માટે પૈસા માંગ્યા! કહ્યું - 'હું સાંસદની સાથે સાથે...', જાણો નિયમ શું છે? 2 - image



Google NewsGoogle News