રૂપાલાના નિવેદનને કારણે ભાજપને ઝટકો, દિગ્ગજ ક્ષત્રિય નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશના કારણે ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજપૂત સમાજના મોટા નેતા સૂરજ પાલ અમ્મુએ આજે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને લખેલા પત્રમાં ભારે નારાજગી વ્યક્ત કરી છે.
રૂપાલાના વિવાદિત નિવેદનથી સૂરજ પાલ અમ્મુ નારાજ
સૂરજ પાલ અમ્મુએ જે.પી. નડ્ડાને લખેલા પત્રમાં લખ્યું, 'કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમ છતાં પક્ષે તેમને ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા હતા અને સુરક્ષા આપવામાં આવી હતી. મારું મન આનાથી દુઃખી છે. તેથી હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.'
સૂરજ પાલ અમ્મુએ પત્રમાં ફિલ્મ પદ્માવતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, 'ફિલ્મ પદ્માવતની રિલીઝ દરમિયાન સમાજનું સન્માન બચાવવા માટે રસ્તા પર ઉતરેલા યુવા ક્ષત્રિયો વિરુદ્ધ બળજબરીથી કેસ નોંધવામાં આવ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોમાં હજારો યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.
રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત
ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભાજપનો ચારેકોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પીછેહઠ કરવા માગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતાં કહી દીધું છે કે અમે રૂપાલાએ ભાજપના કોઈ હોદ્દે જોવા માગતા નથી.