'પાવર' માટે પવાર પરિવારમાં ચૂંટણી 'યુદ્ધ': નણંદની જીતનો રેકૉર્ડ તોડવા ભાભી ઉતર્યા મેદાનમાં

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
'પાવર' માટે પવાર પરિવારમાં ચૂંટણી 'યુદ્ધ': નણંદની જીતનો રેકૉર્ડ તોડવા ભાભી ઉતર્યા મેદાનમાં 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન થવાનું છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. ત્યારે દરેક રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે જેમાં મહારાષ્ટ્રમાંથી શરદ પવારની NCP (શરદચંદ્ર પવાર)  અને અજિત પવાર(Ajit Pawar)ની આગેવાની હેઠળની NCPએ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. શરદ પવારની NCP (શરદચંદ્ર પવાર)એ જ્યાં સુપ્રિયા સુલે (Supriya Sule)ને બારામતી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે ત્યાંથી જ અજિત પવારની NCPએ સુનેત્રા પવાર (Sunetra Pawar)ને ટિકિટ આપી છે. આ સાથે જ  આ બેઠક પર નણંદ અને ભાભી વચ્ચે જંગ જામશે. 

'પાવર' માટે પવાર પરિવારની થશે ટક્કર

શરદ પવારના જૂથની એનસીપી (શરદચંદ્ર પવાર)એ 30 માર્ચે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં વર્તમાન સાંસદ સુપ્રિયા સુલેને ફરીથી બારામતી બેઠક પરથી ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આના થોડા સમય બાદ જ અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીએ પણ બારામતી (Baramati) બેઠક પરથી સુનેત્રા પવારને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સુનેત્રા પવાર અજિત પવારના પત્ની છે. એટલે કે બારામતી સીટ પર તેમની ભાભી સુપ્રિયા સુલે સાથે નણંદ સુનેત્રા પવારની સીધી  ટક્કર જોવા મળશે તે ફાઈનલ થઈ ગયું છે. એક રીતે જોવા જઈએ તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરના પાવર માટે પવાર પરિવારની ટક્કર જોવા મળશે.

સુપ્રિયા VS સુનેત્રા

બારામતી લોકસભા મતવિસ્તારમાં છ વિધાનસભા બારામતી સિટી, ઈન્દાપુર, દાઉન્ડ, પુરંદર, ભોર અને ખડકવાસલા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભોર અને પુરંદરમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે, જ્યારે બારામતી અને ઈન્દાપુરમાં ઐતિહાસિક રીતે (ભાગલા પહેલાં) NCPના પક્ષમાં હતા. દઉન્ડ અને ખડકવાસલામાં ભાજપનો પ્રભાવ છે. 2019ની ચૂંટણીમાં, સુપ્રિયા સુલેએ એનસીપીના બેનર હેઠળ બારામતી મતવિસ્તારમાં સતત ત્રીજી વખત જીત મેળવી હતી.

બારામતીમાં કોનું વર્ચસ્વ ?

બારામતી લોકસભા બેઠક 55 વર્ષથી વધુ સમયથી પવાર પરિવારનો ગઢ રહી છે. સુપ્રિયા સુલે અને શરદ પવારની બારામતી બેઠક પર મજબૂત પકડ હોવાનું કહેવાય છે. શરદ પવારે 1967, 1972, 1978, 1980, 1985 અને 1990માં બારામતીથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત તેઓ 1984, 1996, 1998, 1999 અને 2004માં બારામતી લોકસભા મતવિસ્તારમાંથી સંસદમાં પણ પહોંચ્યા હતા. ત્યાર બાદથી સુપ્રિયા સુલે અહીંથી સાંસદ રહ્યા છે. નોંધનીય છે કે ગત વર્ષે બીજી જુલાઈએ અજિત પવાર અને NCPના આઠ ધારાસભ્યો એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા, જેના કારણે NCPમાં ભાગલા પડી ગયા હતા. હવે આ લોકસભા ચૂંટણીમાં અજિત પવાર એકનાથ શિંદે અને ભાજપ સાથે છે. જ્યારે બીજી બાજુ NCP (શરદચંદ્ર પવાર), શિવસેના (UBT) અને મહા વિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસ એકસાથે મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી એનસીપી (SP), શિવસેના (UBT) અને કોંગ્રેસ સાથે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA)ના સભ્ય શરદ પવાર જૂથ 10 બેઠકો પર ચૂંટણી લડશે. 

સુનેત્રા પવાર ચૂંટણી લડનાર અજિત પવારના પરિવારના બીજા સભ્ય

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને દાઉન્દના ધારાસભ્ય રાહુલ કુલની પત્ની કંચન કુલને સુપ્રિયા સુલેએ 1.55 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સુનેત્રા પવાર અજિત પવારના પરિવારના બીજા સભ્ય છે જેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2019માં, અજીતના પુત્ર પાર્થે પુણે જિલ્લાની માવલ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાના શ્રીરંગ બાર્ને સામે હારી ગયા હતા. સુનેત્રા પવાર મરાઠવાડાના રાજકીય રીતે સક્રિય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ પૂર્વ મંત્રી પદમસિંહ પાટીલના બહેન છે, જેઓ શરૂઆતમાં કોંગ્રેસમાં હતા પરંતુ બાદમાં 1999માં શરદ પવારની NCPમાં જોડાયા હતા. 

'પાવર' માટે પવાર પરિવારમાં ચૂંટણી 'યુદ્ધ': નણંદની જીતનો રેકૉર્ડ તોડવા ભાભી ઉતર્યા મેદાનમાં 2 - image


Google NewsGoogle News