કંગના રણૌત વિશે સુપ્રિયા શ્રીનેતની ભદ્દી ટિપ્પણી, ક્વિને આપ્યો જડબાતોડ જવાબ
મંડી બેઠકથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને વળતો જવાબ આપ્યો
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર ભાજપના મંડી બેઠક પરથી ઉમેદવાર કંગના રણૌત અંગે પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. પોસ્ટ કરતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો. ભાજપે શ્રીનાતે પર નિશાન સાધ્યું અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પાસેથી કાર્યવાહીની માગ કરી છે. વિવાદ વધ્યા બાદ સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ હટાવી દીધી અને પોસ્ટ પર સ્પષ્ટતા પણ આપી. કંગના રનૌતની તસવીર સુપ્રિયા શ્રીનેતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેમાં લખ્યું, 'મંડીમાં શું કિંમત ચાલી રહી છે, શું કોઈ કહી શકે છે?'
કંગનાએ વળતો જવાબ આપ્યો
હિમાચલ પ્રદેશના મંડી બેઠકથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે 'X' પર લખ્યું-'પ્રિય સુપ્રિયા જી, એક અભિનેત્રી તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશે જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ.'
સુપ્રિયા પર ભાજપના પ્રહાર
સુપ્રિયા શ્રીનેતની ભદ્દી પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને ભાજપના ઘણાં નેતાઓએ સુપ્રિયા શ્રીનેત પર જોરદાર પ્રહારો કર્યા હતા. દિલ્હી બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સુપ્રિયા પર પ્રહારો કર્યા અને કોંગ્રેસ પાસે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ભાજપ નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, સુપ્રિયા શ્રીનેતે મંડીથી લોકસભાની ટિકિટ મેળવનાર કંગના રણૌત પર ભદ્દી ટિપ્પણીઓ અને પોસ્ટરબાજી કરી છે. જ્યારે બગ્ગાએ શ્રીનેતની પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને અને લખ્યું, 'ફરી એકવાર કોંગ્રેસની મહિલા વિરોધી વિચારસરણી સામે આવી છે.'
ભાજપના આકરા પ્રહારો બાદ સુપ્રિયાની સ્પષ્ટતા
ભાજપના આકરા પ્રહારો બાદ સુપ્રિયા શ્રીનેતે પહેલા પોતાની પોસ્ટ હટાવી અને પછી સ્પષ્ટતા આપી. તેમણે 'X'પર લખ્યું-'મારા મેટા એકાઉન્ટ્સ (FB અને Insta)ની એક્સેસ ધરાવતી કોઈ વ્યક્તિએ ઘૃણાસ્પદ અને અપમાનજનક પોસ્ટ કરી હતી, જેને હટાવી દેવામાં આવી છે' જે કોઈ મને ઓળખે છે તે જાણશે કે હું ક્યારેય મહિલાઓને આવું નહીં કહીશ.'