સીએએ પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર : કેન્દ્રને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા આદેશ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
સીએએ પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર : કેન્દ્રને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા આદેશ 1 - image


- સીએએના વિરોધમાં સુપ્રીમમાં 230 અરજી પેન્ડિંગ, કાયદા પર સ્ટે મુકવા વધુ 20 અરજી થઈ

- સીએએ ધાર્મિક ઓળખના આધારે વ્યક્તિઓના ચોક્કસ વર્ગને અયોગ્ય લાભ આપતો હોવાનો અરજદારોનો દાવો

- અરજીઓનો નિકાલ ના આવે ત્યાં સુધી કોઈને સીએએ હેઠળ નાગરિક્તા નહીં આપવા અરજદારોની માગ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે નાગરિક્તા (સુધારા) નિયમ, ૨૦૨૪ (સીએએ)ના અમલ પર સ્ટે મુકવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, આ સાથે સુપ્રીમ કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં ત્રણ સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યંષ છે. દેશમાં નાગરિક્તા (સુધારા) કાયદો, ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકારી ૨૦થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડના અધ્યક્ષપદે બેન્ચને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, સીએએથી કોઈપણ વ્યક્તિની નાગરિક્તા છીનવાતી નથી.

ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાને સમાવતી બેન્ચે જણાવ્યું હતું કે, પ્રથમદર્શી રીતે અમે કોઈ મત વ્યક્ત કરતા નથી. અમે અરજદારોને સાંભળીશું અને અમે બીજા પક્ષને પણ સાંભળીશું. આ સાથે બેન્ચે આ અંગે વધુ સુનાવણી ૯ એપ્રિલે મુલતવી રાખી હતી.

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું કે, તેમને ૨૦ અરજીઓનો જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય જોઈએ છે. આ અરજીઓમાં આગ્રહ કરાયો છે કે નાગરિક્તા (સુધારા) કાયદો, ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિકાલ આવે ત્યાં સુધી તેના સંબંધિત નિયમો પર સ્ટે મૂકાવો જોઈએ. મહેતાએ બેન્ચને કહ્યું કે, સીએએ કોઈપણ વ્યક્તિની નાગરિક્તા આંચકી લેતો નથી. સંસદ દ્વારા વિવાદાસ્પદ કાયદો પસાર કરાવાયાના ચાર વર્ષ પછી કેન્દ્ર સરકારે ૧૧ માર્ચે સંબંધિત નિયમોનું નોટિફિકેશન જાહેર કરીને નાગરિક્તા (સુધારા) કાયદા, ૨૦૧૯નો અમલ શરૂ કર્યો હતો.

અરજદારોએ દાવો કર્યો છે કે સીએએ હેઠળ અધિસૂચિત નિયમ સ્પષ્ટપણે મરજી મુજબના છે અને માત્ર તેમની ધાર્મિક ઓળખના આધારે વ્યક્તિઓના એક વર્ગની તરફેણમાં અયોગ્ય લાભ આપે છે, જે બંધારણની કલમ ૧૪ અને ૧૫ હેઠળ યોગ્ય નથી.નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)નો ઉદ્દેશ્ય ધાર્મિક શોષણના કારણે ભારતમાં આશરો લેનારા વ્યક્તિઓનું રક્ષણ કરવાનો છે. તેમને ગેરકાયદે માઈગ્રેશનની કાર્યવાહી વિરુદ્ધ એક ઢાલ પૂરી પાડે છે.

સીએએ હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મોના વસાહતીઓને નાગરિક્તા આપવાના નિયમો સરળ બનાવાયા છે. અગાઉ કોઈપણ વ્યક્તિને ભારતની નાગરિક્તા મેળવવા માટેના નિયમમાં ઓછામાં ઓછા ૧૧ વર્ષ અહીં રહેવું ફરજિયાત હતું. જોકે, આ નિયમને સરળ બનાવી નાગરિક્તા મેળવવાનો સમય એક વર્ષથી ૬ વર્ષ સુધીનો કરાયો છે. જોકે, સીએએ હેઠળ આઝાદી પહેલાંના ભારતીય વિસ્તારોના રહેવાસીઓ અને હાલના પડોશી દેશો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા બીન મુસ્લિમ વસાહતીઓને નાગરિક્તા આપવાનો નિયમ સરળ બનાવાયો છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંગળવારે જણાવ્યું હતું કે, સીએએના સંદર્ભમાં સુપ્રીમમાં ૨૩૦થી વધુ અરજીઓ થઈ છે અને આ કાયદો અમલમાં આવ્યા પછી તેના પર સ્ટે મૂકવાની માગણી કરતી ૨૦ અરજી થઈ છે. અરજદારોમાંથી કોઈપણ અસરગ્રસ્ત પક્ષ નથી અને હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે તેઓ જે કાયદા પર સ્ટે મુકવાની માગ કરી રહ્યા છે તે કોઈપણ વ્યક્તિની નાગરિક્તા છીનવતો નથી.

અરજદારો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ કેસની સુનાવણી ચાલુ છે ત્યાં સુધી કોઈને નાગરિક્તા આપવી જોઈએ નહીં તેવું સ્ટેટમેન્ટ આપવું જોઈએ. અરજદારો તરફથી અન્ય વરિષ્ઠ વકીલ કપિલ સિબલે જણાવ્યું હતું કે, સીએએ હેઠળ કોઈને નાગરિક્તા અપાશે તો સમસ્યા એ છે કે કેટલાક કારણોસર તેમની નાગરિક્તા રદ કરવાનું અશક્ય બની જશે અને આ અરજીઓ નિરર્થક બની જશે.


Google NewsGoogle News