મહિલા અનામત કાયદો આગામી લોકસભા ચૂંટણી પહેલા લાગૂ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Image Source: Twitter
- મહિલા અનામત કાયદાને એ ભાગને રદ કરવો ખૂબ મુશ્કેલ થશે જેમાં કહેવામાં આવ્યુ છે કે, તેને વસતી ગણતરી બાદ લાગુ કરવામાં આવશે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2023, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે આજે મહિલા અનામત કાયદાને આગામી લોકસભા ચૂંટણી પહેલા અમલ કરવાની માંગ કરતી અરજીને પેન્ડિંગ અરજી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. કોર્ટનું કહેવું છે કે, મહિલા અનામત કાયદાને એ ભાગને રદ કરવો ખૂબ મુશ્કેલ થશે જેમાં કહેવામાં આવ્યુ છે કે, તેને વસતી ગણતરી બાદ લાગુ કરવામાં આવશે.
આ છે મામલો
મહિલા અનામત કાયદાને આગામી લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવાની અરજી કોંગ્રેસી નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ મહિલા અનામત બિલ સાંસદમાં પાસ થઈ ચૂક્યુ છે. હવે તે કાયદો બની ગયો છે પરંતુ કહેવામાં આવ્યું છે કે, તે વસતી ગણતરી બાદ લાગુ થશે. અરજદારે સુપ્રીમ કોર્ટને ગુહાર લગાવી હતી કે, આ મામલે નિર્દેશ આપવામાં આવે કે, તેના પર અમલ લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટનો ઈનકાર
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની પીઠે આજે કોંગ્રેસ નેતા જયા ઠાકુરની અરજી પર નોટિસ જોરી કરવાનો ઈનકાર કરી દીધો છે. પીઠે કહ્યું કે, આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એક અરજી પેન્ડિંગ છે. એ પેન્ડિંગ અરજી સાથે જ જયા ઠાકુરની અરજી પર 22 નવેમ્બરના રોજ સુનાવણી થશે.
ઠાકુર તરફથી કોર્ટમાં રજૂ થયેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહની દલીલનો સ્વીકાર કરવાનો ઈનકાર કરતા પીઠે કહ્યું કે, જે પગલું ભરવામાં આવ્યું છે તે ખૂબ સારું પગલુ છે.
ઠાકુરના વકીલનો તર્ક
આ મામલે વકીલે કહ્યું હતું કે, તે સમજી શકાય છે કે પછાત વર્ગોને અનામત આપવા માટે વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવાની જરૂર છે પરંતુ આશ્ચર્ય થાય છે કે મહિલા અનામતના કિસ્સામાં વસ્તી ગણતરીનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે. સિંહે કહ્યું કે કાયદાનો એ ભાગ જે કહે છે કે વસ્તી ગણતરી પછી તેનો અમલ કરવામાં આવશે તે મનસ્વી છે અને તેને ખતમ કરવો જોઈએ.
પીઠનો જવાબ
કોર્ટે કહ્યું કે, અદાલત માટે પણ આ કરવું ખૂબ મુશ્કેલ છે. અમે તમારા તર્કને સમજી ગયા છે. તમારું કહેવું છે કે, મહિલા આરક્ષણ માટે વસતી ગણતરીની જરૂર નથી પરંતુ ઘણા બધા મામલા છે. પહેલા સીટો આરક્ષિત કરવી પડશે. આ સાથે જ અન્ય કામો પણ કરવા પડશે.