રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી
Supreme Court vs Government Tussle : ભારતમાં સરકાર એટલે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચેની તકરાર સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પછી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એવામાં હવે સુપ્રીમ કોર્ટે પણ અરજીઓની સુનાવણી દરમિયાન જવાબ આપ્યો છે.
શું અમે રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ?: સુપ્રીમ કોર્ટ
બંગાળમાં થઈ રહેલી હિંસાના કારણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે અમારા પર પહેલેથી જ કાર્યપાલિકાના અધિકારક્ષેત્ર પર અતિક્રમણનો આરોપ લાગી રહ્યા છે. તમે ઇચ્છો છો કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે અમે રાષ્ટ્રપતિને આદેશ આપીએ?'
દુબે વિરુદ્ધ કેસ કરો, અમારી અનુમતિની જરૂર નથી: સુપ્રીમ કોર્ટ
નોંધનીય છે કે આ સિવાય આજે સુપ્રીમ કોર્ટમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આપેલા નિવેદન વિરુદ્ધ કોર્ટના અવમાનની કાર્યવાહી મુદ્દે પણ સુનાવણી થઈ. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેના પર જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે તમે શું ઇચ્છો છો? તો વકીલે જવાબ આપ્યો કે હું અવમાનનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ જવાબમાં કહ્યું કે તો તમે કેસ કરો, અમારી અનુમતિની જરૂર નથી. તમારે એટોર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.
દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે સુપ્રીમ કોર્ટ: નિશિકાંત દુબે
મીડિયા સાથે વાતચીતમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું, કે 'સુપ્રીમ કોર્ટમાં પોતાની હદની બહાર જઈ રહી છે. દરેક વસ્તુ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો પછી સંસદ અને રાજ્યોની વિધાનસભા બંધ જ કરી દેવી જોઈએ. દેશમાં થઈ રહેલા ગૃહયુદ્ધો માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે. અનુચ્છેદ 377માં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતું. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન સૌ કોઈ માને છે કે સમલૈંગિકતા ગુનો છે. પણ સુપ્રીમ કોર્ટે કાયદો ખતમ કરી નાખ્યો. આર્ટિકલ 368 હેઠળ સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કાયદાની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. આર્ટિકલ 141 અનુસાર અમે જે કાયદા બનાવીશું તે નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ થશે.'
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કઈ રીતે નિર્દેશ આપી શકે?: દુબે
નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સીધો હુમલો કર્યો અને રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું છે, કે 'જ્યારે રામ મંદિર કે કૃષ્ણ જન્મભૂમિ કે પછી જ્ઞાનવાપીની વાત આવે ત્યારે કહો છો કે કાગળ બતાવો. મસ્જિદ પર વાત આવે ત્યારે કહે છે કે કાગળ ક્યાંથી બતાવશે? સુપ્રીમ કોર્ટ હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પૂછી રહ્યા છે કે ખરડાઓના સંબંધમાં શું કરવાનું છે? ભારતના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ જ રાષ્ટ્રપતિ કરે છે, તો તમે રાષ્ટ્રપતિને નિર્દેશ કઈ રીતે આપી શકો? સંસદ દેશ માટે કાયદા બનાવે છે, તમે સંસદને નિર્દેશ આપશો? આવા નવા કાયદા તમે ક્યારે બનાવી લીધા? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા પડશે? સીધો અર્થ છે કે તમે (સુપ્રીમ કોર્ટ) દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો. સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું.'
થોડા દિવસ અગાઉ ઉપરાષ્ટ્રપતિએ પણ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે થોડા દિવસ પહેલાં જ ન્યાયપાલિકાની શક્તિઓ અને જવાબદારી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, કે 'બંધારણના આર્ટિકલ 142 હેઠળ કોર્ટને મળેલા વિશેષ અધિકારો હવે લોકતંત્રની શક્તિ વિરુદ્ધ 'ન્યુક્લિયર મિસાઇલ' બની ગયા છે. જજ સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે. આપણી પાસે એવા ન્યાયાધીશ છે કે કાયદા બનાવશે, સુપર સંસદના રૂપમાં કામ કરશે. પણ તેમની કોઈ જવાબદારી નહીં રહે, તેમના પર કોઈ કાયદા લાગુ નહીં થાય. જસ્ટિસ વર્માના ઘરમાંથી સળગેલી ચલણી નોટો મળી આવી છતાં કોઈ FIR કેમ ન થઈ? શું અમુક લોકો કાયદાની ઉપર છે? આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ત્રણ જજની કમિટી બની છે જેનો કોઈ બંધારણીય આધાર નથી. કમિટી માત્ર ભલામણ કરી શકે, કાર્યવાહીનો અધિકાર સંસદ પાસે છે. જો કોઈ સામાન્ય માણસના ઘરે પૈસા ઝડપાયા હોત તો પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હોત.'
તેમણે વધુમાં કહ્યું હતું, કે 'હાલમાં જ એક ચુકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યા. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ દેશમાં શું થઈ રહ્યું છે? એવી સ્થિતિનું નિર્માણ કરાઈ રહ્યું છે જ્યાં કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપશે, કયા આધારે? આપણે આવા લોકતંત્રની કલ્પના ક્યારેય નહોતી કરી.'