Get The App

ઉત્તર પ્રદેશના 17 લાખ મુસ્લિમ વિદ્યાર્થીઓને મળી રાહત, સુપ્રીમ કોર્ટે મદરેસા અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશના 17 લાખ મુસ્લિમ વિદ્યાર્થીઓને મળી રાહત, સુપ્રીમ કોર્ટે મદરેસા અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો 1 - image


Supreme Court On UP Madarsa Eligibility: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ની બંધારણીય માન્યતાને જાળવી રાખતાં 17 લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે હાઈકોર્ટના 22 માર્ચના ચુકાદાને અયોગ્ય ઠેરવતાં મદરેસાને કામગીરીને ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ને ‘ગેરબંધારણીય’ અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન સમાન ગણાવી ઉત્તર પ્રદેશ સરકારને મદરેસાના તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળામાં પ્રવેશ આપવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું કે, આ કાયદાની જોગવાઈઓ મદરેસાઓમાં નિર્ધારિત શિક્ષણના ધોરણને પ્રમાણિત કરવાની છે. મદરેસા અધિનિયમ મદરેસાઓના રોજિંદા કામકાજમાં દખલ કરી શકે નહીં. તેનો ઉદ્દેશ ઉત્તર પ્રદેશ રાજ્યમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ યોગ્ય આજીવિકા કમાય તે સુનિશ્ચિત કરવાની રાજ્યની સકારાત્મક જવાબદારીને અનુરૂપ છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ રાજ્યના પ્રમાણિત શિક્ષણ માપદંડોની સાથે પોતાની કામગીરી ચાલુ રાખી શકશે..

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: 'દરેક પ્રાઇવેટ પ્રોપર્ટી પર સરકાર કબજો ન કરી શકે'

હાઈકોર્ટે શું આપ્યો હતો આદેશ?

અલ્લાહાબાદ હાઈકોર્ટે 22 માર્ચના રોજ મદરેસા કાયદા પર ચુકાદો આપ્યો હતો કે, આ અધિનિયમ બંધારણ અને બિનસાંપ્રદાયિકતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જેને પડકારતાં અંજુમ કાદરી, મેનેજર્સ એસોસિએશન અરબિયા, ઓલ ઈન્ડિયા ટીચર્સ એસોસિએશન મદારિસ અરબિયા, મેનેજર એસોસિએશન અરબી મદરેસા ન્યૂ માર્કેટ એન્ડ ટીચર્સ એસોસિએશન મદારિસ અરબિયા કાનપુર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.  

સુપ્રીમ કોર્ટે મદરેસા અધિનિયમની જોગવાઈઓની સમીક્ષા કરી જરૂરી સુધારા વધારા કરવા કહ્યું છે. પરંતુ તેને સંપૂર્ણપણે રદ કરવો અયોગ્ય ગણાવ્યો છે. 

ડીવાય ચંદ્રચૂડે શું કહ્યું

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે આ મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું કે, ધર્મનિરપેક્ષતાનો અર્થ જીવો અને જીવવા દો છે. શું આરટીઈ ખાસ કરીને મદરેસા પર લાગુ થતો નથી. ભારત એક ધાર્મિક દેશ છે. જેથી શિક્ષણમાં ધાર્મિક શિક્ષણ સામેલ થઈ શકે છે. આ અધિનિયમને રદ કરી તમે 700 વર્ષના ઈતિહાસને બરબાદ કરી શકો નહીં.

AIMPLB એ સુપ્રીમના ચુકાદાને વધાવ્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની ઈદગાહના ઈમામ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશિદ ફિરંગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ચુકાદો મદરેસા સાથે સંકળાયેલા લોકો માટે ખુશીની લહેર સમાન છે. યુપી મદરેસા અધિનિયમનો મુસદ્દો ઉત્તર પ્રદેશ સરકારે જ બનાવ્યો હતો. અને સરકાર દ્વારા બનાવવામાં આવેલો અધિનિયમ કેવી રીતે ગેરબંધારણીય હોઈ શકે. અમે પહેલાં જ કહ્યું હતું કે, અમે મદરેસામાં ઈસ્લામિક શિક્ષણ ઉપરાંત આધુનિક શિક્ષણનું પણ સિંચન કરીએ છીએ.

શું છે મદરેસાની કામિલ-ફાઝિલ ડિગ્રી? જેને SCએ મંજૂરી ના આપી

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરતા યૂપી મદરેસા એક્ટ 2004ને બંધારણીય ગણાવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે આને બંધારણ વિરૂદ્ધ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને મદરેસામાં ભણતા વિદ્યાર્થીને સામાન્ય સ્કૂલિંગ સિસ્ટમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. 5 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પલટતા આ એક્ટને બંધારણીય ગણાવી છે. જોકે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેન્ચે કહ્યું છે કે મદરેસા મુંશી અને મૌલવી (10માં ધોરણ) અને આલિમ (12માં ધોરણ)ની તાલિમ આપી શકે છે, પરંતુ ફાઝિલ અને કામિલની નહીં. મદરેસાઓમાં કેટલાક ધોરણનો અભ્યાસ કરાવવામાં આવે છે. ધોરણ 1 થી 5 સુધી તહતાનિયા (પ્રાથમિક બોર્ડ), ધોરણ 6 થી 8 સુધી ફૌકાનિયા, ધોરણ 10 સુધી મુંશી અને મૌલવી, ધોરણ 12 સુધી ભણનારા વિદ્યાર્થી આલિમનો અભ્યાસ કરે છે. ત્યારે BA સુધી ભણનારા વિદ્યાર્થીઓને કામિલ અને પોસ્ટગ્રેજ્યુએટને ફાઝિલની ડિગ્રી આપવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, મદરેસા ફાઝિલ અને કામિલની ડિગ્રી ન આપી શકે, કારણ કે આ UGC અધિનિયમની વિરૂદ્ધ છે.

કામિલમાં શું ભણાવવામાં આવે છે?

મુતાલ-એ-હદીસ, મુતાલ-એ-મઝાહિબ, અરબી સાહિત્ય (કામિલ અરબી અભ્યાસ હેતુ), ફારસી સાહિત્ય (કામિલ ફારસી અભ્યાસ હેતુ), ફુનૂને અદબ, બલાગત અને ઉરૂઝ, સામાજિક અધ્યયન ભણાવવામાં આવે છે. આ સિવાય, મુતાલ-એ-ફિક્હ ઈસ્લામી (સુન્ની/શિયા), મુતાલ-એ-ઉસૂલે ફિક્વ (સુન્ની/શિયા), જદીદ અરબી અદબની તારીખ (કામિલ અરબી થર્ડ યર), જદીદ ફારસી અદબની તારીખ જેવા વિષય હોય છે.

ફાઝિલમાં શું ભણાવવામાં આવે છે?

મદરેસાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એટલે MA કર્યા બાદ ફાઝિલની ડિગ્રી આપવામાં આવે છે, જેમાં અરબી-ફારસી અને દીનિયાત આધારિત વિષય ભણાવવામાં આવે છે. આ સિવાય ડિપ્લોમા કોર્સને 'કારી' કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, યૂપીમાં 25 હજાર મદરેસા છે, જેમાંથી લગભગ 16 હજારને યૂપી બોર્ડ ઓફ મદરેસાથી માન્યતા મળી છે, જ્યારે અંદાજિત 8000 મદરેસા બીન માન્યતા પ્રાપ્ત છે. માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં 560 એવા છે, જે એડેડ છે. એટલે 560 મદરેસાઓનું સંચાલન સરકારી પૈસાથી હોય છે. ફૌકાનિયા સુધી 14677 મદરેસાઓ અને આલિયા (મુંશી, મૌલવી, આલિમ, કામિલ, ફાઝિલ) સુધીના 4536 મદરેસાઓને માન્યતા મળેલી છે.

ઉત્તર પ્રદેશના 17 લાખ મુસ્લિમ વિદ્યાર્થીઓને મળી રાહત, સુપ્રીમ કોર્ટે મદરેસા અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો 2 - image


Google NewsGoogle News