પહલગામ હુમલા બાદ ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય
Supreme Court Big Step On Pahalgam Attack: પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટે બુધવારે પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને પીડિતોને શ્રદ્દાંજલી આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. બરાબર 2:00 વાગ્યે, નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ પરિસરમાં સાયરન વાગવા લાગ્યા. ન્યાયાધીશ, વકીલો, અરજદારો અને કોર્ટ સ્ટાફે સાથે ઉભા રહીને બે મિનિટનું મૌન પાળ્યું. આ પહેલી વાર હતું જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે આતંકવાદી કૃત્ય પર સામૂહિક અને ઔપચારિક પ્રતિક્રિયા આપી હોય.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પાળે છે મૌન
સુપ્રીમ કોર્ટ 26/11ના મુંબઈ હુમલા જેવા અગાઉના આતંકવાદી હુમલાઓ દરમિયાન પણ આવી પ્રતિક્રિયાથી દૂર રહી હતી. પરંતુ પરંપરાગત રીતે, કોર્ટ દર વર્ષે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પૂણ્યતિથીએ સવારે 11:00 વાગ્યે બે મિનિટનું મૌન પાળે છે.
ભૂષણ આર ગવઈએ કરી પહેલ
વરિષ્ઠ કોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલ જસ્ટિસ ભૂષણ આર ગવઈ દ્વારા કરવામાં આવી હતી, જેઓ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે અને મુખ્ય ન્યાયાધીશ બનવાના દાવેદાર છે. તેમણે આ સંદર્ભમાં ન્યાયાધીશ સૂર્યકાંતની સલાહ લીધી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના બુધવારે દેશની બહાર હતા. પહલગામ ઘટનાના ફૂટેજ અને ફોટોઝની સમીક્ષા કર્યા પછી, વરિષ્ઠ ન્યાયાધીશોએ લંચ બ્રેક દરમિયાન ઈમરજન્સી કન્સલ્ટેશનનું આયોજન કર્યું હતું. બપોરે 1:45 વાગ્યા સુધીમાં, સુપ્રીમ કોર્ટમાં હાજર બધા ન્યાયાધીશો ભેગા થઈ ગયા હતા અને એક ઠરાવ તૈયાર કરીને તેને અપનાવવામાં આવ્યો. જેમાં બપોરે 2:00 વાગ્યે, પ્રોટોકોલનું પાલન કરીને, સાયરન વગાડવામાં આવ્યું અને મૌન પાળવામાં આવ્યું.
હુમલાની સખત નિંદા કરાઈ
એક નિવેદનમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ભારતના મુકુટ રત્ન, કાશ્મીરના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ પર હુમલો નિઃશંકપણે માનવતાના મૂલ્યો અને જીવનની પવિત્રતાનું અપમાન છે અને આ કોર્ટ તેની સખત નિંદા કરે છે.'સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના 300 થી વધુ સભ્યો પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોર્ટના સેન્ટ્રલ લોન પર એક સાથે ભેગા થયા હતા.
આ પણ વાંચો: આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય', પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ
અન્ય અદાલતોએ પણ આતંકી હુમલાની કરી નિંદા
સુપ્રીમ કોર્ટના આ પગલા બાદ દિલ્હી, મુંબઈ, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીર-લદ્દાખની હાઈકોર્ટે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેમજ એકતા દર્શાવતા મૌન પાળ્યું હતું.