હવે પગભર થાઓ... શરદ પવારની તસવીરના ઉપયોગ બદલ સુપ્રીમ કોર્ટે કરી અજિત પવારની ઝાટકણી
Maharashtra Assembly Election 2024 : NCPSPના પ્રમુખ શરદ પવારની તસવીરનો ઉપયોગ કરવા મામલે સુપ્રીમ કોર્ટે NCPના પ્રમુખ અજિત પવારની આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીને સલાહ આપી છે કે, તેઓ પોતાના પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરે અને ચૂંટણી પ્રચાર દરમિયાન શરદ પવારની તસવીરનો ઉપયોગ ન કરો.
કોર્ટના ચક્કર માર્યા કરતા ચૂંટણી પર ધ્યાન આપો : કોર્ટ
ન્યાયાધીશ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુઈયાંની બેંચે શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોને કહ્યું છે કે, તેઓ કોર્ટના ચક્કર લગાવવાનો બદલે યુદ્ધના મેદાન (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી) પર ધ્યાન આપે.’
‘તમે તમારા પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરો’
સુપ્રીમ કોર્ટે (Supreme Court) અજિત પવાર (Ajit Pawar)ની પાર્ટીના વરિષ્ઠ વકીલ બલબીર સિંહને કહ્યું છે કે, ‘તમે પાર્ટીના પદાધિકારીઓને કહો કે, તેઓ શરદ પવાર (Sharad Pawar)ના જૂના અથવા નવા વીડિયો ક્લિપ અને તસવીરોનો ઉપયોગ ન કરે. જેમની સાથે તમારી પાર્ટીના વૈચારિક મતભેદ છે. તમે તમારા પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરો.’
સુપ્રીમ કોર્ટે NCPને આપ્યા નિર્દેશ
બેંચે અજિત જૂથને કહ્યું છે કે, ‘તેઓ તેમના નેતાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિધાનસભા ચૂંટણી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને એક ઓનલાઈન સર્ક્યુલર જાહેર કરે અને કહે કે, તેઓ શરદ પવારની તસવીરો અથવા વીડિયો/ઓડિયો ક્લિપનો ઉપયોગ ન કરે, ભલે તે જૂથના કે નવા હોય.’
શરદ પવારની પાર્ટીના વકીલે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું ?
NCPSPના વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેંચને કહ્યું કે, ‘ભારતના લોકો ખૂબ જ બુદ્ધિશાળી છે અને તે લોકો જાણે છે કે, શરદ પવાર અને અજિત પવાર કોણ છે. લોકોને સરળતાથી મૂર્ખ બનાવી શકાતા નથી. સિંઘવીએ ફરિયાદ કરી હતી કે, અજિત જૂથના એક એમએલસીએ પોતાનું સમર્થન બતાવવા માટે શરદ પવારની વીડિયો ક્લિપ પ્રસારિત કરી છે.’
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20મી નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, જ્યારે 23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થવાનું છે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ પિત્તો ગુમાવ્યો, મતદાન વચ્ચે SDMનો લાફો ઝીંકી દીધો