સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે
Supreme Court Hearing Date Waqf Law: ભારતના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ 16 એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં 'કેવિયેટ' દાખલ કરીને આ મામલે કોઈપણ આદેશ આપતા પહેલા સુનાવણીની વિનંતી કરી હતી. સુનાવણી વિના કોઈ પણ આદેશ પસાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પક્ષકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તેમને સાંભળ્યા વિના કોઈ પણ આદેશ પસાર ન કરવો જોઈએ.
16 એપ્રિલે સુનાવણી અરજીઓ પર થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરનારાઓમાં વિવિધ રાજકીય પક્ષો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને જમિયત ઉલેમા-એ-હિંદના નેતાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ મામલે કોર્ટમાં 10 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની 16 એપ્રિલે સુનાવણી થશે.
આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણા ભારત લવાયો, એરપોર્ટ પરથી NIA હેડક્વાર્ટર લઈ જવાશે
8 એપ્રિલે વક્ફ કાયદો અમલમાં આવ્યો
વક્ફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 5 એપ્રિલે તેને મંજૂરી આપી હતી. આ કાયદો 8 એપ્રિલથી દેશભરમાં અમલમાં આવ્યો છે. આ બિલ લાગુ થયા પછી, ભાજપનો પ્રયાસ મુસ્લિમ સમુદાયમાં તેના ફાયદાઓને યોગ્ય રીતે રજૂ કરવાનો છે, જેથી લોકોમાં આ બિલ વિશેની ગેરસમજો દૂર થઈ શકે.