વિધવાને મેકઅપની શું જરૂર છે? હાઇકોર્ટની 39 વર્ષ જૂની ટિપ્પણી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
Patna High Court Case : હત્યાના એક જૂના કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે પટણા હાઇકોર્ટને ફટકાર લગાવી હતી. પટણા હાઇકોર્ટે મહિલાની મેકઅપ સામગ્રી અને એના વિધવા હોવા બાબતે એક અનિચ્છનીય ટિપ્પણી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે અત્યંત વાંધાજનક ગણાવીને હાઇકોર્ટના વિધાનને અસંવેદનશીલ ગણાવ્યું હતું.
શું હતો કેસ?
વર્ષ 1985માં એક મહિલાનું કથિત રીતે તેના પિતાનું ઘર કબજે કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નીચલી અદાલતે પાંચ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને અન્ય બે સહ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. કેસ હાઇકોર્ટમાં જતાં પટણા હાઇકોર્ટે પાંચ લોકોની આજીવન કારાવાસની સજા યથાવત્ રાખી હતી અને નિર્દોષ છોડી મૂકાયેલા બે સહઆરોપીઓને પણ દોષી ઠરાવીને એમને આજીવન કેદની સજા ફટકારી હતી. એ પછી આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
અસંવેદનશીલ ટિપ્પણી બાબતે સુપ્રીમ કોર્ટ નારાજ
39 વર્ષ જૂના કેસમાં હાલમાં સુપ્રીમ કોર્ટ આરોપીઓની અપીલ પર વિચાર કરી રહી છે. દરમિયાન મહિલાની મેકઅપ સામગ્રી બાબતે પટણા હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સુપ્રીમ કોર્ટે અત્યંત વાંધાજનક ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, આવી અસંવેદનશીલ ટિપ્પણી હાઇકોર્ટ પાસેથી અપેક્ષિત નથી.
શું હતો મુદ્દો?
ઘટનાક્રમ કંઈક એવો હતો કે પીડિતાનું મૃત્યુ ઑગસ્ટ, 1985માં મુંગેર જિલ્લામાં થયું હતું અને તેના સંબંધીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે સાત લોકોએ મહિલાનું તેના ઘરેથી અપહરણ કરીને પછી તેની હત્યા કરી દીધી હતી. મૃતક મહિલાના મામા અને અન્ય એક સંબંધીએ જુબાની આપી હતી કે મહિલા એના પિતાના ઘરમાં રહેતી હતી. તપાસ અધિકારીએ ઘરનું નિરીક્ષણ કરીને કહ્યું હતું, ‘ઘરમાં થોડી મેકઅપ સામગ્રી મળી હતી, પણ એ સિવાય ત્યાં ખરેખર કોઈ મહિલા રહેતી હતી એમ ખાતરીપૂર્વક કહી શકાય એવી મૃતકના કપડાં અને ચપ્પલ જેવી કોઈ અંગત સામગ્રી મળી નથી.’ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘એક અન્ય મહિલા એ ઘરના બીજા ભાગમાં રહેતી હતી ખરી, પણ એ વિધવા હતી.’
આવી ટિપ્પણી કરી હતી પટણા હાઇકોર્ટે
ઉપરોક્ત માહિતીને આધારે પટણા હાઇકોર્ટે એવું કહ્યું હતું કે, ‘મેકઅપની વસ્તુઓ પેલી અન્ય વિધવા મહિલાની હોઈ શકે નહીં, કારણ કે વિધવા હોવાથી તેને મેકઅપ કરવાની કોઈ જરૂર નથી.’ આ મુદ્દાને આધારે હાઇકોર્ટે એ ઘરમાંથી મળેલા મેકઅપની સામગ્રી હત્યા કરાયેલ મહિલાની જ હોવાનું ધારી લીધું હતું અને આરોપીઓને સજા સંભળાવી દીધી હતી.
આ પણ વાંચો : યોગીના ગઢમાં ભાજપનું ટેન્શન વધારશે ચિરાગ પાસવાન? NDA ગઠબંધનને લઈને મોટી જાહેરાત
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને ફટકાર લગાવી છે
‘વિધવા મહિલાને શા માટે મેકઅપનો અધિકાર ન હોઈ શકે?’ એવા સૂરમાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ટિપ્પણીને આડે હાથે લેતાં કડક ભાષામાં ઠપકો આપ્યો હતો કે, ‘હાઇકોર્ટની ટિપ્પણી કાયદાકીય રીતે પણ અસ્વીકાર્ય છે અને સામાજિક દૃષ્ટિ પણ અત્યંત વાંધાજનક છે. આવી અસંવેદનશીલ ટિપ્પણી કાયદાની તટસ્થતાને અનુરૂપ નથી, અને હાઇકોર્ટ પાસે અપેક્ષિત નથી. ખાસ કરીને ત્યારે જ્યારે એને સાબિત કરવા માટે કોઈ મજબૂત પુરાવા નથી.’