જેલમાં નીચલી જાતિના કેદીઓથી સફાઈ...' સુપ્રીમ કોર્ટ ભડકી, ભેદભાવ અંગે આપ્યો મોટો આદેશ
Image Source: Twitter
Supreme Court: સુપ્રીમ કોર્ટે આજે જેલમાં જાતિ આધારિત ભેદભાવની લાંબા સમયથી ચાલતી પ્રથાનો અંત આણ્યો છે. કોર્ટે જેલ મેન્યુઅલમાં રહેલા જાતિ આધારિત ભેદભાવને ગેરબંધારણીય ગણાવતાં તાત્કાલિક તેમાં સુધારા કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં સંભળાવવામાં આવેલ આ ચુકાદો ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ડિનોટિફાઇડ જનજાતિઓ વિરુદ્ધ જેલમાં થતાં ભેદભાવ પર કેન્દ્રિત હતો. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ કેદીને જાતિના આધારે કામ અથવા રહેવાની વ્યવસ્થામાં ભેદભાવનો સામનો ન કરવો પડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલના એ નિયમનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નીચલી જાતિના લોકોને સફાઈ કામ કરાવવામાં આવે છે અને ઉચ્ચ જાતિના લોકોને રસોડામાં કામ કરાવવામાં આવે છે. CJIની ખંડપીઠે રાજ્યોને ચેતવણી આપી છે કે જો જેલમાં કોઈપણ પ્રકારનો જાતિ આધારિત ભેદભાવ જોવા મળશે તો તેના માટે તમને જ જવાબદાર ઠેરવવામાં આવશે.
કેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ: CJI
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, 'જાતિ આધારિત ભેદભાવ ભલે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પરંતુ તે ગુલામી કાળના શાસનનો વારસો છે. બંધારણ પ્રમાણે કેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ અને તેમના માનસિક અને શારીરિક કલ્યાણનું ધ્યાન રાખવું જોઈએ.' આ કેસમાં જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. ખંડપીઠે એ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો જ્યાં આવો ભેદભાવ ચાલી રહ્યો છે. ખંડપીઠે કહ્યું કે તમે તાત્કાલિક પોતાના જેલના નિયમોમાં ફેરફાર કરો અને ત્રણ મહિનામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરો. આ સાથે જ કેન્દ્ર સરકારને પણ 2016ના મોડલ જેલ નિયમોમાં સુધારો કરવાનો આદેશ આપ્યો છે, જે રાજ્યોને ગુનેગારોને 'હેબિચ્યુઅલ ઑફેન્ડર' તરીકે વર્ગીકૃત કરવાની મંજૂરી આપે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારનો ભેદભાવ બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને જેલ સત્તાવાળાઓને તેમની નીતિઓ બંધારણ સાથે સુસંગત બનાવવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે જાતિ આધારિત કામ સોંપવું, જેમ કે નીચલી જાતિઓને સફાઈનું કામ સોંપવું અને ઉચ્ચ જાતિઓ માટે રસોડાનું કામ અનામત રાખવું એ બંધારણની કલમ 15નું ઉલ્લંઘન કરે છે. જે જાતિના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. કોર્ટે કહ્યું કે આ પ્રથાઓ માત્ર અસમાનતાને જ પ્રોત્સાહન નથી આપતી પરંતુ કેદીઓના સુધારા અને પુનર્વસનમાં પણ યોગદાન નથી આપતી.
જેલ મેન્યુઅલ જાતિ આધારિત પૂર્વગ્રહ
આ ચુકાદામાં કહેવામાં આવ્યું કે, જેલ મેન્યુઅલ જાતિ આધારિત પૂર્વગ્રહને બનાવી ન રાખી શકે, કોઈપણ સમૂહને માત્ર સફાઈ જેવા કામ સુધી સીમિત ન કરી શકાય. કોર્ટે અસ્પૃશ્યતાને નાબૂદ કરતી કલમ 17નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જાતિના આધારે 'મજૂરી' સોંપવી એ અસ્પૃશ્યતાનું જ એક સ્વરૂપ છે જે બંધારણીય લોકશાહીમાં અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ જેલ મેન્યુઅલની એ ધારાઓને પણ નકારી કાઢી જે અમુક જાતિના કેદીઓને નાના કાર્યો કરવા માટે દબાણ કરતી હતી. કોર્ટે કહ્યું કે આવી પ્રથાઓ વર્ગ આધારિત પૂર્વગ્રહને પ્રોત્સાહન આપે છે અને માનવ ગરિમાનું ઉલ્લંઘન કરે છે.
કોર્ટે કલમ 23નો હવાલો આપતાં કહ્યું કે, જેલમાં જાતિના આધારે કામનું વિભાજન બળજબરીપૂર્વક શ્રમનું સ્વરૂપ છે જે બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. આ ઉપરાંત કોર્ટે 'હેબિચ્યુઅલ અપરાધીઓ'ના વર્ગીકરણની નિંદા કરતાં ખાસ કરીને વિમુક્ત જનજાતિના લોકોને ગુનેગારો તરીકે વર્ગીકૃત કરવા તેને ગેરબંધારણીય જાહેર કર્યુ છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, વિમુક્ત જનજાતિના સભ્યોને ઐતિહાસિક રૂપે જન્મજાત ગુનેગાર માનવામાં આવી રહ્યા છે. આ વર્ગીકરણ તેમના સન્માનનું અપમાન છે અને કલમ 21નું ઘોર ઉલ્લંઘન છે, જે ગરિમા સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. વિમુક્ત જનજાતિઓ એવા સમુદાયો છે કે જેને બ્રિટિશ શાસન દરમિયાન ફોજદારી જનજાતિ અધિનિયમો હેઠળ 'જન્મજાત ગુનેગાર' તરીકે સૂચિત કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે જેલમાં થતાં ભેદભાવના મુદ્દે સ્વત: સંજ્ઞાન લીધું હતું
કોર્ટે તમામ રાજ્યોને પોતાના જેલ મેન્યુઅલને આ ચુકાદાને અનુરૂપ સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતો અથવા વિચારાધીન કેદીઓના રજિસ્ટરમાંથી જાતિના સંદર્ભો હટાવી દેવામાં આવે અને કેદીઓને જોખમી પરિસ્થિતિઓમાં ગટર સફાઈ જેવા કામ કરવા માટે મજબૂર કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે જેલમાં ચાલતાં ભેદભાવના મુદ્દા પર સ્વત: સંજ્ઞાન લેતા ત્રણ મહિના બાદ અમલની સુનાવણીની જાહેરાત કરી છે, જેમાં તમામ રાજ્યોને પોતાના આદેશોના અમલીકરણ અંગે સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે કહ્યું છે. જાન્યુઆરીમાં કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી હતી. પત્રકાર અને મહારાષ્ટ્રની રહેવાસી સુકન્યા શાંથા દ્વારા અરજી દાખલ કર્યા બાદ કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું હતું. અરજીમાં જેલ મેન્યુઅલમાં હાજર ભેદભાવપૂર્ણ નિયમોને સમાપ્ત કરવાની માગ કરવામાં આવી હતી, જે બંધારણના સમાનતાના સિદ્ધાંતોનું સીધું ઉલ્લંઘન કરે છે.