શું તમે મજાક સમજી બેઠા છો?, સુપ્રીમ કોર્ટે NIAનો ઉધડો લીધો, જાણો શું છે મામલો
Fake Currency Case : સુપ્રીમ કોર્ટે આજે (3 જુલાઈ) બનાવટી ચલણી નોટોના કેસમાં સુનાવણી કરતાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની (NIA) ઝાટકણી કાઢી હતી. આ કેસની સુનાવણી કરતા કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘આ કેસમાં ચાર વર્ષમાં કોઈ ટ્રાયલ કરાઈ નથી.’ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયનની બેન્ચે NIAને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘તમે આ કેસને મજાક સમજો છો? તમારા લીધે આરોપીને સુનાવણી વગર ચાર વર્ષ જેલમાં રહેવું પડ્યું છે.’
ચાર વર્ષમાં સુનાવણી ના થતાં કોર્ટ ભડકી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘કોઈ પણ ગુનાની ગંભીરતા ચકાસ્યા વિના કોઈ આરોપીને બંધારણના અનુચ્છેદ 21 મુજબ શક્ય એટલી ઝડપથી સુનાવણીનો અધિકાર મળ્યો છે. આમ છતાં, તમે કોઈ ટ્રાયલ લીધા વગર આરોપીને ચાર વર્ષ સુધી જેલમાં બંધ કરીને રાખ્યો હતો.’ ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, ‘તમે NIA છો. મહેરબાની કરીને ન્યાયને મજાક ના બનાવો. ચાર વર્ષ થયાં છતાં અત્યાર સુધી સુનાવણી કરાઈ નથી. આવું ના થવું જોઈએ. ગુનો ગમે તેટલો ગંભીર હોય તો પણ દરેકને ઝડપી સુનાવણીનો અધિકાર છે. આ મામલામાં તેના આ અધિકારનું ઉલ્લંઘન થયું છે. ’
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટ બોમ્બે હાઈકોર્ટના એ આદેશ વિરુદ્ધ દાખલ અરજીની સુનાવણી કરી રહી છે, જેમાં હાઈકોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં જાવેદ ગુલામ નબી શેખ નામના આરોપીને જમાનત આપવાનો ઈનકાર કર્યો હતો. મુંબઈ પોલીસે 2020માં આ આરોપીને કેટલાક ગુપ્ત દસ્તાવેજના આધારે પકડ્યો હતો. તેની પાસે કથિત રીતે પાકિસ્તાનથી આવેલી નકલી ચલણી નોટો જપ્ત કરાઈ હતી. એનઆઈએએ આ મામલાની તપાસ શરૂ કર્યા પછી નોંધ્યું હતું કે, આ આરોપી ફેબ્રુઆરી 2020માં દુબઈ ગયો હતો અને ત્યાંથી નકલી ચલણી નોટો લાવ્યો હતો. આ દરમિયાન ચાર વર્ષ સુધી તેની સુનાવણી થઈ નહીં હોવાથી સુપ્રીમ કોર્ટ ભડકી હતી.