Get The App

દુષ્કર્મીઓને નપુંસક બનાવવાની માંગ કરતી અરજી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્યોને મોકલી નોટિસ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
દુષ્કર્મીઓને નપુંસક બનાવવાની માંગ કરતી અરજી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્યોને મોકલી નોટિસ 1 - image


Castration Punishment : સુપ્રીમ કોર્ટે મંગળવારે એક જનહિત અરજી (PIL-Public interest litigation)ના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. પીટિશનમાં મહિલાઓની સુરક્ષા માટે રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકાની માગણી કરવામાં આવી છે. આ સિવાય તેમાં ઓનલાઈન પોર્નોગ્રાફિક સામગ્રી (Ponographic content) પર પ્રતિબંધ અને યૌન શોષણના અપરાધો માટે દોષિત વ્યક્તિઓને નપુંસક બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ પીટિશન દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસના બરાબર 12 વર્ષ પછી દાખલ કરવામાં આવી હતી. 

મહિલાઓ પર દુષ્કર્મ અને હત્યાના કેસો હજુ પણ અટક્યા નથી 

સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે, 'તમે જે માગણીઓ કરી છે તેમાંથી એક સાર્વજનિક પરિવહનમાં સામાજિક વર્તણૂક માટે માર્ગદર્શિકા જારી કરવા માટેની છે, આ સંપૂર્ણ નવો વિચાર છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પાવનીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 'વર્ષ 2012માં બનેલી ગેંગરેપની ઘટનાને ઘણાં વર્ષો વીતી ગયા હોવા છતાં, મહિલાઓ પર દુષ્કર્મ અને હત્યાના કેસો હજુ પણ અટકી રહ્યા નથી.'

કેટલીક માંગણીઓ અત્યંત ઘાતકી 

આ અંગે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ જારી કરી હતી. ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, 'કેટલાક મુદ્દા સંપૂર્ણપણે નવા છે. અમે અરજદારની પીટિશનની કેટલીક માંગણીઓની ખૂબ પ્રશંસા કરીએ છીએ. પરંતુ તમે જે નિર્દેશોની માંગણી કરી રહ્યા છો તેમાંની કેટલીક માગ અત્યંત ઘાતકી છે. તમે રસ્તાઓ પર સમાજની સામાન્ય મહિલાઓ માટે રાહત માંગી રહ્યા છો, જેઓ અસુરક્ષિત છે અને રોજિંદા જીવનમાં પડકારોનો સામનો કરી રહી છે.'

વંચિત મહિલાઓ માટે ન્યાયની પીટિશન  

અરજદારે આરજી કાર હોસ્પિટલ દુષ્કર્મ અને હત્યા કેસનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'આરજી કાર હોસ્પિટલની ઘટના પછી આવી 94 ઘટનાઓ બની છે, પરંતુ મીડિયામાં તેને હાઈલાઈટ કરવામાં આવી નથી.' અરજદાર મહાલક્ષ્મી પાવની સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશન (SCWLA) ના પ્રમુખ છે. તેમણે વિનંતી કરી હતી કે, 'અમે ન્યાયથી વંચિત સૌથી કમજોર મહિલાઓ માટે દેશભરમાં સુરક્ષા અંગેની માર્ગદર્શિકા, સુધારા અને પગલાં લેવાની માંગ કરી રહ્યા છીએ. ઘણાં કડક કાયદા અને દંડની જોગવાઈ છે, પરંતુ તેનો અમલ થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે?'

દોષિતોને સજા તરીકે નપુંસક બનાવવાની માંગ 

પીટિશનમાં કોર્ટને દુષ્કર્મ જેવા અપરાધો માટે દોષિતોને સજા તરીકે રાસાયણિક રીતનો ઉપયોગ કરીને નપુંસક(chemical castration) બનાવવા અને મહિલાઓ સામેના આવા ભયાનક અપરાધો સાથે સંકળાયેલા કેસોમાં જામીન ન આપવાના નિયમનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે. 

દુષ્કર્મીઓને નપુંસક બનાવવાની માંગ કરતી અરજી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્યોને મોકલી નોટિસ 2 - image


Google NewsGoogle News