SC-ST ક્વોટામાં ક્વોટા મામલે સુપ્રીમ કોર્ટમાં મંથન શરૂ, સાત જજોની બેંચે શરૂ કરી સુનાવણી
પંજાબ સરકારના SC-ST ક્વોટામાં ક્વોટાના કાયદાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ગેરબંધારણીય જાહેર કરી હતી
પંજાબ સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે, આ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે પણ સુનાવણી હાથ ધરશે
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ક્વોટામાં ક્વોટા મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિચારણા શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે એસસી/એસટી કેટેગરીને આપવામાં આવેલા આરક્ષણમાં એસસી/એસટી કેટેગરીના સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને અનામત અને પ્રાથમિકતા આપવાના મુદ્દે વિચાર-મંથન શરૂ કર્યું છે.
SC-ST ક્વોટામાં ક્વોટા મામલે સુપ્રીમ કોર્ટે મંથન શરૂ કર્યું
સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહ્યું છે કે, શું રાજ્ય સરકારને અનામતની દ્રષ્ટિએ જાતિઓને SC-ST શ્રેણીમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે? શું રાજ્ય સરકાર વધુ પછાત અને જરૂરિયાતમંદ જાતિઓને અનામતનો લાભ આપવા માટે SC-ST વર્ગમાં પેટા વર્ગીકરણ કરી શકે છે? સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, શું અહીં એ જ માપદંડ લાગુ ન થવો જોઈએ જે રીતે પછાત અને ફૉરવર્ડ વચ્ચે અપનાવવામાં આવે છે?
બુધવારે પણ સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટ પંજાબના કેસમાં બુધવારે પણ સુનાવણી હાથ ધરશે. પંજાબ સરકાર 2006માં પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો (સેવાઓમાં અનામત) અધિનિયમ 2006 લાવી હતી. આ કાયદા હેઠળ પંજાબમાં એસીસી વર્ગને અપાયેલ કુલ આરક્ષણમાંથી 50% બેઠકો અને પ્રથમ પ્રાથમિકતા વાલ્મિકી અને મઝહબીઓ (ધાર્મિક શીખો) માટે નક્કી કરાઈ હતી.
હાઈકોર્ટે આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો
પંજાબ હાઈકોર્ટ (Punjab High Court) તેમજ હરિયાણા હાઈકોર્ટે (Haryana High Court) વર્ષ 2010માં પંજાબના આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ત્યારબાદ પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેના પર સાત જજોની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. ખંડપીઠ આ કેસમાં એટલા માટે સુનાવણી કરી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે 2004માં ઈવી ચૈન્નયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ કેસમાં સંભળાવેલ ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિયોમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર નથી.
સાત ન્યાયાધીશોની બેંચ અગાઉના ચુકાદામાં પુનર્વિચાર કરશે
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની અન્ય ખંડપીઠે સંમતિ આપી હતી કે, ઈવી ચેન્નાયાના કેસમાં સંભળાવાયેલ નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂર છે, તેથી સાત ન્યાયાધીશોની બેન્ચ એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણની આ કેસમાં વિચાર કરી રહી છે. મુખ્ય મામલો પંજાબનો છે પરંતુ પંજાબની સાથે કુલ બે ડઝન જેટલી અરજીઓ પણ પેન્ડિંગ છે જેમાં ક્વોટામાં ક્વોટાનો મુદ્દો ઉઠાવાયો છે. સાત ન્યાયાધીશોની બેંચ ઇવી ચેન્નાયા ચુકાદામાં અપાયેલ વ્યવસ્થા પર પણ પુનર્વિચાર કરશે.