લગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50 લાખ આપવા પડ્યા, દહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
લગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50 લાખ આપવા પડ્યા, દહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી 1 - image


Supreme Court On Domestic Violence And Dowry Act: 'ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે'. સુપ્રીમ કોર્ટે બુધવારે આ વાત કહી છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વૈવાહિક કેસમાં વિવાદની સુનાવણી કરતા આ વાત કહી હતી. જસ્ટિસ ગવઈએ ગુજરાન ભથ્થુંના મુદ્દા પર સુનાવણી કરતા કહ્યું કે આવા કેસમાં સૌથી સારી બાબત એ જ છે કે આઝાદી મળે. પોતાની આ ટિપ્પણી પર વિસ્તાર આપતા જસ્ટિસ ગવઈએ એક કેસને પણ યાદ કર્યો.

તેમણે કહ્યું કે, એક એવો પણ કેસ આવ્યો હતો કે જેમાં પતિ તેની પત્ની સાથે એક દિવસ પણ ન હોતો રહ્યો. પરંતુ જ્યારે તેઓ અલગ થયા ત્યારે તેણે તેની પત્નીને 50 લાખ રૂપિયા આપવા પડ્યા. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, મેં નાગપુરમાં એક એવો કેસ જોયો હતો. તે કેસમાં યુવક અમેરિકા જઈને સ્થાયી થયો હતો. તેમના લગ્ન એક દિવસ પણ નહોતા ચાલ્યા પરંતુ પત્નીને કેસ ચાલવાના કારણે 50 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. હું ખુલ્લેઆમ કહું છું કે ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે. કદાચ તમે લોકો મારી સાથે સહમત થશો.

સેક્શન 498Aને લઈને ઘણા સમયથી ચર્ચા રહી છે. આ કાયદાના ટીકાકારો કહેતા આવ્યા છે કે ઘણીવાર મહિલાના પરિવારજનો આ કાયદાનો દુરુપયોગ કરે છે. સબંધ ખરાબ થતાં પતિ અને તેના પરિવારને ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ઘણી વખત ખોટા કેસ દાખલ કરાવવામાં આવે છે અને બાદમાં સમાધાન કરવામાં આવે છે. આ બાબતોને લઈને અદાલતો પણ સવાલો ઉઠાવી રહી છે. ગત વર્ષે સેક્શન 498A અંગે નોંધાયેલા એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરી હતી. કોર્ટેનું કહેવું હતું કે, આખરે આ કેસમાં પતિના દાદા-દાદી અને ઘરમાં બીમાર પડેલા પરિવારના સભ્યોને પણ આ કેસમાં કેમ ઢસેડવામાં આવ્યા.

આટલું જ નહીં ઘરેલું હિંસાના જ અન્ય એક મામલે સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટ કહ્યું કે, આવા કેસોમાં પતિના મિત્રોને ન ફસાવી શકાય. જસ્ટિસ અનીસ કુમાર ગુપ્તાની કોર્ટે કહ્યું કે, આ કાયદામાં પતિ અને તેમના સબંધીઓ તરફથી ઉત્પીડનની જોગવાઈ છે. પતિના મિત્રને આ દાયરામાં સામેલ ન કરી શકાય. 


Google NewsGoogle News