સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મુદ્દે ચુકાદો સુરક્ષિત રાખ્યો, જાણો ક્યારે આવશે નિર્ણય
Supreme Court on Kejriwal Bail Plea : દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલ જામીન અને ધરપકડને પડકાર આપતી અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે, કોર્ટ 11 સપ્ટેમ્બરની આગામી સુનાવણી દરમિયાન આ મુદ્દે ચુકાદો આપી શકે છે.
તપાસના આધારે જ ધરપકડ કરાઇ
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીબીઆઇ વતી એએસજીએ કહ્યું હતું કે, તપાસના આધારે જ મેજિસ્ટ્રેટે કેજરીવાલની ધરપકડની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં ધરપકડને પડકાર આપતી રિટ પિટીશન યોગ્ય નથી. ધરપકડમાં કોઇ પણ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું છે.
હવાલાના માધ્યમથી 45 કરોડ મોકલ્યા
એએસજીએ કહ્યું કે 'લીકર પોલિસીને કેજરીવાલે જ મંજૂરી આપી હતી. ગોવાથી દિલ્હી સુધી હવાલાના માધ્યમથી આશરે 45 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આપ દ્વારા આ રકમનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પણ ચાર્જશીટનો અભ્યાસ કર્યો હતો અને ચુકાદો આપ્યો હતો. જો આજે ન્યાયાધીશ કેજરીવાલને જામીન આપે છે તો આનાથી હાઇકોર્ટનું મનોબળ ઘટી જશે.' જો કે, કેજરીવાલના વકીલે આ દલીલોને અયોગ્ય અને પાયા વગરની ગણાવી હતી.
21 માર્ચે ઇડીએ કરી હતી ધરપકડ
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા 21 માર્ચે મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે પરંતુ સીબીઆઈના કેસમાં તેમની ધરપકડના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નથી.