ઘટના ચિંતાજનક: મહાકુંભ નાસભાગ કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુનાવણીનો ઈનકાર, હાઇકોર્ટ જવા કહ્યું
Supreme Court refuses to hear Mahakumbh stampede case: મહાકુંભમાં નાસભાગ કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ આ ઘટનાને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, આ ઘટનાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કેસની સુનાવણી CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: મહાકુંભ બાદ વધુ એક મેળામાં નાસભાગ, મધ્યપ્રદેશના દમોહમાં મંદિરમાં ભારે ભીડ તૂટી પડી
'આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે ચિંતાનો વિષય છે'
કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું છે. CJI એ કહ્યું, 'આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે ચિંતાનો વિષય છે, પરંતુ હાઈકોર્ટમાં જાઓ. પહેલેથી જ એક ન્યાયિક પંચની રચના થઈ ચૂકી છે.' અરજદારે કોર્ટને જણાવતા કહ્યું કે, નાસભાગની ઘટનાઓ રોજેરોજ બની રહી છે.
બેન્ચે અરજદારને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપીને અરજી ફગાવી
યુપી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને કહ્યું કે, હાલમાં આ ઘટનાની ન્યાયિક તપાસ ચાલી રહી છે. તેમજ હાઇકોર્ટમાં પણ આવી જ એક અરજી દાખલ કરવામાં આવી છે. CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે અરજદારને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપીને અરજી ફગાવી દીધી હતી.
વિકાસ તિવારીએ અરજી દાખલ કરી હતી
આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. અરજદારે કહ્યું કે, 'રાજ્ય સરકાર મહાકુંભમાં નાસભાગની ઘટનાને રોકવામાં બેદરકારી દાખવી રહી છે.' અરજદાર રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ ઘટનાને રોકવામાં યુપી વહીવટીતંત્રની લાપરવાહી, બેદરકારી અને નિષ્ફળતા હતી. આ ઉપરાંત અરજદારે કુંભના કાર્યક્રમોમાં એક સમર્પિત 'ભક્ત સહાયતા કોષ' સ્થાપવાની પણ માંગણી કરી હતી. અરજીમાં ભીડ વ્યવસ્થાપન વધારવા માટે નીતિઓ ઘડવા માટે તમામ રાજ્યોને નિર્દેશ આપવાની અને કોર્ટને ઉત્તર પ્રદેશ સરકાર સાથે સંકલનમાં મહાકુંભમાં તબીબી સહાય ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરી હતી.
આ પણ વાંચો: મહાકુંભમાં નાસભાગ મુદ્દે સંસદમાં હોબાળો, 'જય શ્રી રામ'ના નારા સાથે ચેરમેન ધનખડનું સ્વાગત
29 જાન્યુઆરીએ થઈ હતી કુંભમાં નાસભાગ
પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા એટલે કે 29 જાન્યુઆરીની સવારે અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ હતી. આ ભીડ ત્રિવેણી સંગમ ઘાટ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન નાસભાગ મચી હતી અને 30 થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તે ઉપરાંત આ ઘટનામાં 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, પ્રત્યક્ષદર્શીઓ આ ઘટનામાં મૃત્યુઆંક વધારે હોવાનું જણાવી રહ્યા છે. જેથી આ ઘટના અંગે યુપી સરકાર પર દરેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.