સુપ્રીમ કોર્ટ ચૂંટણી બોન્ડ મુદ્દે પીઆઈએલના લિસ્ટિંગ માટે તૈયાર
- એસઆઈટી તપાસ સુપ્રીમના નિરીક્ષણ હેઠળ કરાવવા માગ
- ચૂંટણી બોન્ડ કૌભાંડ, ક્વિડ પ્રો ક્વોના ભાગરૂપે પક્ષોને અપાયેલા નાણાંની વસૂલાત માટે નિર્દેશ આપવા પણ માગણી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ શુક્રવારે ચૂંટણી બોન્ડ યોજનામાં કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ માટેની વિનંતી કરતી પીઆઈએલના લિસ્ટિંગ પર વિચારણા કરવા સંમત થઈ ગઈ છે. સીપીઆઈએલ અને કોમન કોઝ જેવી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં રાજકીય પક્ષો, કોર્પોરેશન્સ અને તપાસ એજન્સીઓ વચ્ચે કથિત સાંઠગાંઠનો આક્ષેપ કરાયો છે.
મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ અને ન્યાયાધીશો જેબી પારડીવાલા તથા મનોજ મિશ્રાની બેન્ચે એનજીઓ તરફથી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણની નોંધ લીધી હતી. પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીના ધક્કા ખઈ રહ્યા છે તેમ છતાં તેમની અરજી લિસ્ટ થતી નથી. તેમની રજૂઆત સાંભળીને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે તેમને ઈમેલ કરવાનું કહ્યું હતું. ભુષણે કહ્યું કે તેમણે અગાઉ અનેક ઈમેલ્સ કર્યા છે. જવાબમાં સીજેઆઈએ કહ્યું કે, આજે ઈમેલ કરો. પીઆઈએલ લિસ્ટ થઈ જશે.
એનજીઓ કોમન કોઝ અને સીપીઆઈએલે અરજીમાં ચૂંટણી બોન્ડને 'કૌભાંડ' ગણાવ્યું હતું અને સુપ્રીમ સ મક્ષ તપાસ સંસ્થાઓને નુકસાન કરતી કંપનીઓ તથા નકલી કંપનીઓના રાજકીય પક્ષોને અપાયેલા ભંડોળના સ્રોતની તપાસ કરવા ઓથોરિટીને નિર્દેશો આપવાની માગણી કરી હતી. અરજીમાં 'ક્વિડ પ્રો ક્વો વ્યવસ્થા'ના ભાગરૂપ કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને અપાયેલા નાણાંની વસૂલાત કરવા સત્તાવાળાઓને નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલી ચૂંટણી બોન્ડ યોજનાને ૧૫ ફેબુ્રઆરીએ રદ કરી દીધી હતી.