75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ
Supreme Court: રાશનકાર્ડ દ્વારા મળતા સરકારી લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યાં છે, કારણ કે તેને લઈને સુપ્રીમ કોર્ટે શંકા વ્યક્ત કરી હતી. સાથે જ રાજ્યોની બેવડી નીતિ પર પણ સવાલો ઊઠાવ્યા હતા અને કહ્યું હતું કે, 'જ્યારે રાજ્યોએ વિકાસ દેખાડવાનો હોય ત્યારે વ્યક્તિગત માથાદીઠ આવક વધારે દેખાડવામાં આવે છે. પરંતુ જ્યારે સબસીડી મેળવનારા ગરીબી રેખા હેઠળના બીપીએલની વસતી 75 ટકા દેખાડે છે.' પ્રવાસી મજૂરોને રાશનકાર્ડ જારી કરવા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
રાશનકાર્ડ હવે પોપ્યુલારિટી કાર્ડ બની રહ્યા છે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા મામલાની સુનાવણી કરાઈ હતી, આ દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'અમારી ચિંતા ખરેખર એ છે કે જે લાભ ગરીબ લોકો માટે છે તે ખરેખર તેમને મળી રહ્યો છે કે પછી એવા લોકોને મળી રહ્યો છે કે જેઓ તેના હકદાર જ નથી. રાશનકાર્ડ હવે પોપ્યુલારિટી કાર્ડ બની રહ્યા છે.' કોરોના મહામારી દરમિયાન સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા સુનાવણી હાથ ધરી હતી. જેમાં પ્રવાસી મજૂરોના અધિકારો અને સરકારી સુવિધાઓનો મુદ્દો સામેલ કર્યો હતો.
કેટલાક પક્ષકાર બનેલા અરજદારો તરફથી હાજર વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી હતી કે, 'લગભગ દરેક સરકારી યોજનાઓમાં થોડોઘણો ભ્રષ્ટાચાર થતો રહે છે. ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે, જ્યારે ધનવાનો વધુ ધનવાન થઈ રહ્યા છે. એક તરફ કેટલાક લોકો પાસે મોટી સંપત્તિ છે, જ્યારે બીજી તરફ અનેક લોકોની માથાદિઠ આવક રાજ્યની કુલ આવકની સરખામણીએ બહુ જ મામૂલી છે. જે ગરીબ મજૂરોએ સરકારના ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી કરાવી હોય તેમને મફત રાશન આપવું જોઇએ, આવા લોકોની સંખ્યા આઠ કરોડ જેટલી છે. વસતી ગણતરીના આંકડા વગર જ આયુષ્યમાનના લાભાર્થીની સંખ્યા વધારી દેવાઇ છે, પરંતુ બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યામાં કોઇ વધારો નથી થયો.'
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'હું આશા રાખુ કે આમને રાશનકાર્ડ પુરા પાડવામાં કોઇ રાજકીય તત્ત્વો સામેલ ના થાય, મે મારા મૂળ હજુ ગુમાવ્યા નથી, ગરીબોની દુર્દશા વિષે મે હંમેશા જાણવાનો પ્રયાસ કર્યો છે. એવા પરિવાર પણ છે કે જેઓ ગરીબ જ રહી ગયા છે.'
વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકારે 2021માં વસતી ગણતરી નથી કરાવી અને 2011ના ડેટા પર કામ ચાલી રહ્યું છે. જેને કારણે આશરે 10 કરોડ લોકો એવા છે કે જેમને મફત રાશનનો લાભ મળવો જોઈએ, પરંતુ તેમને બીપીએલમાં સામેલ નથી કરાયા.
આ પણ વાંચો: વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે
કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે, 'સરકાર 81.35 કરોડ લોકોને મફત રાશન પુરુ પાડી રહી છે.'
ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'રાજ્યો કહી રહ્યા છે કે અમે આટલા રાશનકાર્ડ ઈશ્યૂ કર્યા, જ્યારે કેટલાક રાજ્યો એવા છે કે જે પોતાના રાજ્યનો વિકાસ દેખાડવો હોય ત્યારે એમ કહે છે કે અમારા રાજ્યમાં માથાદીઠ આવક વધી રહી છે. જ્યારે બીપીએલ અંગે વાત આવે ત્યારે કહે છે કે 75 ટકા વસતી બીપીએલ છે. આ બન્ને દલીલોમાં વિરોધાભાસ છે. ખરેખર ગરીબો સુધી લાભ પહોંચે તે જ અમારી ચિંતા છે.'
હાલમાં સુપ્રીમ કોર્ટે મફત રાશન વિતરણ અંગે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે અને કેટલા ગરીબો સુધી મફત રાશન પહોંચ્યું તેના આંકડા રજુ કરવા કહ્યું છે. હવે આ મામલે ફરી સુનાવણી થશે. હજારો લોકો અન્ય રાજ્યોમાં મજૂરી માટે જાય છે. જો કે, તેમના રાશનકાર્ડનો લાભ તેમને મૂળ રાજ્યમાં જ મળતો હોય છે. આવા પ્રવાસી મજૂરોને તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં જ રાશનનો લાભ મળવો જોઈએ કે કેમ તેને લઇને સુનાવણી ચાલી રહી છે.