સુપ્રીમ કોર્ટના EVM-VVPATને લઈને ચૂંટણી પંચને અનેક સવાલો, હવે બે વાગ્યે સુનાવણી
Supreme Court Hearing on EVM-VVPAT: સુપ્રિમ કોર્ટ આજે વોટર વેરિફાઈબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) સાથે ઈવીએમ દ્વારા પડેલા મતો સાથે 100 ટકા વેરિફિકેશનની માંગ કરતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ કેસમાં ચૂંટણી પંચ (Election Commission) પાસેથી થોડી વધુ સ્પષ્ટતા માંગી છે અને ચૂંટણી પંચના અધિકારીને બપોરે 2 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. એડવોકેટ પ્રશાંત ભૂષણ અને કપિલ સિબ્બલ એડીઆર વતી કોર્ટમાં હાજર થયા હતા.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેટલાક સવાલો કર્યા
આ કેસમાં જજ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, 'માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને 30 દિવસ સુરક્ષિત રાખો છે કે 45 દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?'
આજે બે વાગ્યે સુનાવણી થશે
આ ઉપરાંત કોર્ટે વધુમાં પૂછ્યુ હતું કે 'શું ચિપનો ઉપયોગ માત્ર એક જ વાર થાય છે, શું મતદાન પછી EVM અને VVPAT બંને સીલ કરવામાં આવે છે? કોર્ટે ચૂંટણી પંચના અધિકારી પાસેથી જવાબ માંગ્યો છે. હવે પછી આજે બપોરે 2 વાગ્યે ફરી આ કેસની સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવ્યું હતું.
ઈવીએમ સાથે છેડછાડ શક્ય નથી: ચૂંટણી પંચ
અગાઉ 18 એપ્રિલે આ કેસની સુનાવણી કરી રહેલા જજે ચૂંટણી પંચના અધિકારીને સવાલ કર્યો હતો કે, 'તમારી પાસે કેટલા વીવીપેટ છે? અધિકારીએ જવાબ આપતા કહ્યું કે અમારી પાસે 17 લાખ છે. જેના પર જજે બીજો સવાલ કરતા પૂછ્યું કે ઈવીએમ અને વીવીપેટની સંખ્યા કેમ અલગ-અલગ છે? જેના પર ચૂંટણી અધિકારીએ જજને સંતોષકારક જવાબ આપતા કહ્યું કે મોક પોલમાં ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ કોઈપણ મશીનનું પરીક્ષણ કરી શકે છે. આ ઉપરાંત અધિકારીએ એમ પણ કહ્યું કે આંકડા વિશે જાણકારી મેળવવી કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી.'