'આ તે કેવો આદેશ! જામીન આજે અને જેલથી છૂટશે 6 મહિના પછી...', હાઈકોર્ટ પર સુપ્રીમકોર્ટ લાલઘૂમ
Image : IANS (file pic) |
Supreme Court: સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટ (Patna High Court)ના એક આદેશ પર ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટના આ વિચિત્ર આદેશમાં હત્યાના કેસમાં એક આરોપીને જામીન તો આપી દીધા પરંતું કોઈ કારણ જણાવ્યા વગર જ આરોપીને છ મહિના બાદ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાન (Justice Ujjal Bhuyan)ની બેન્ચે હાઈકોર્ટના આદેશની શરતોના આધાર પર આરોપી જીતેન્દ્ર પાસવાનને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
આ કેવા પ્રકારનો આદેશ : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પોતાના આદેશમાં કહ્યું છે કે 'આ વિચિત્ર છે કે હાઈકોર્ટે કહ્યું છે કે જામીન આપવાનો આદેશ છ મહિના બાદ લાગૂ થશે. અમે તે શરતો અને નિયમો પર વચગાળાના જામીન આપીએ છીએ જેનો ઉલ્લેખ વિવાદિત આદેશના નવમા પેરેગ્રાફમાં કરવામાં આવ્યો છે.' અહેવાલ અનુસાર, જસ્ટિસ અભય ઓકા (Justice Abhay Oka)એ કહ્યું કે, 'આ કેવા પ્રકારનો આદેશ છે? કેટલીક કોર્ટ છ મહિના કે એક વર્ષ માટે જામીન આપી રહી છે. ત્યારે હવે આ એક અલગ પ્રકારનો આદેશ છે. જેમાં કોર્ટે કહ્યું છે કે આરોપી જામીન માટે હકદાર છે. પરંતુ તેને છ મહિના બાદ જેલથી છોડવામાં આવે.'
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી
સુપ્રીમ કોર્ટ આરોપીને જામીન મળી ગયા હોવા છતાં છ મહિના પછી જેલથી છોડવાના હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. આરોપીના વકીલે દલીલ કરી હતી કે આ શરત માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, જેથી જામીન સંપૂર્ણપણે ભ્રામક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે પટના હાઈકોર્ટે આરોપીને જામીન આપવાનો વિવાદાસ્પદ આદેશ પસાર કર્યો હતો, જે IPCની કલમ 147, 148, 149, 341, 323, 324, 326, 307 અને 302 હેઠળના એક કેસમાં ફસાયેલો છે.
હાઈકોર્ટે આટલી શરતો સાથે જામીન આપ્યા હતા
પટના હાઈકોર્ટે જિતેન્દ્ર પાસવાન (Jitendra Paswan)ને જામીન આપ્યા હતા, જેમાં 15 હજાર રૂપિયાના જામીન બોન્ડ પણ સામેલ છે. આ ઉપરાંત 30 હજારનો દંડ અને બે જામીન જેવી કેટલીક શરતો પણ રાખવામાં આવી હતી. આ સિવાય જિતેન્દ્ર પાસવાનને કોર્ટમાં નિયમિત હાજર રહેવા પણ કહેવામાં આવ્યું છે. તેમજ દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા અને પુરાવા સાથે છેડછાડ કરવા અથવા વધુ કોઈ ગુનો કરવા પર જામીન રદ કરવાની વાત પણ કહેવામાં આવી છે.